
- આરોગ્ય સેવાઓની સમીક્ષા
મહેસાણા, 20 ડિસેમ્બર (હિ.સ.) : આજરોજ મહેસાણા જિલ્લા સ્ટેટ લાયઝન ઓફિસર ડૉ. કાદરી ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ. કેતુલભાઈ પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બ્રિજેશભાઈ પ્રજાપતિ દ્વારા તાલુકા કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – રાજપુરની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દી નોંધણી, સારવાર પ્રક્રિયા, રસીકરણ, માતા-બાળ આરોગ્ય સેવાઓ તેમજ રેકોર્ડ રજીસ્ટરોની વિગતવાર તપાસણી કરવામાં આવી. અધિકારીઓએ દવાઓના સ્ટોક, લેબોરેટરી સેવાઓ અને સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓમાં રહેલી ખામીઓ ઓળખી સુધારાના સૂચનો આપવામાં આવ્યા તેમજ ગેપ એનાલિસિસના આધારે સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને સ્ટાફને સમયસર રેકોર્ડ જાળવણી, દર્દીઓ સાથે સંવેદનશીલ વર્તન અને સરકારની આરોગ્ય યોજનાઓનો સંપૂર્ણ લાભ લોકોને મળે તે બાબતે ખાસ સૂચનાઓ આપવામાં આવી.
આ સમીક્ષાત્મક મુલાકાતથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપુર ખાતેની સેવાઓ વધુ મજબૂત બનશે અને સ્થાનિક નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR