

- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ જન જાગૃતિ કાર્યક્રમ અને પરિસંવાદ
ગાંધીનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ જન જાગૃતિ કાર્યક્રમ અને પરિસંવાદ’માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખેડૂતો, કૃષિ સખીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓને સંબોધતા પ્રાકૃતિક ખેતીને જીવનની અનિવાર્ય જરૂરિયાત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં, પરંતુ ધરતી માતા, પર્યાવરણ, પાણી અને માનવ સ્વાસ્થ્યને બચાવવાનો સર્વાંગી માર્ગ છે.
રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીના કારણે આજે ધરતી માતા બિનઉપજાઉ બની રહી છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા નાશ પામી રહ્યા છે, જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા સતત ઘટી રહી છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, યુરિયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગના કારણે ભૂગર્ભ જળમાં નાઈટ્રેટ જેવા ઝેરી તત્વોની માત્રા વધી ગઈ છે, જેના કારણે પીવાનું પાણી ઝેરી બનતું જાય છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે સમાજમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની અને પેન્ક્રિયાસ સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. 30–40 વર્ષ પહેલાં આ પ્રકારની બીમારીઓ સામાન્ય નહોતી, પરંતુ આજે નાની ઉંમરના લોકો પણ આવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ ઝેરયુક્ત ખોરાક અને દૂષિત પર્યાવરણ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દેશ અને વિશ્વની પ્રથમ એવી યુનિવર્સિટી છે, જ્યાં ફક્ત પ્રાકૃતિક ખેતી પર વૈજ્ઞાનિક સંશોધન થઈ રહ્યું છે. અહીં ગાયના છાણ અને ગોમૂત્રમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે, જે ખેતી માટે ખાતર અને પોષક તત્વો પૂરા પાડે છે. આ સંશોધન માત્ર ગુજરાત નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ માટે માર્ગદર્શક બનશે.
રાજ્યપાલએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતીથી સંપૂર્ણપણે અલગ છે. જૈવિક ખેતીમાં ખર્ચ અને મહેનત વધુ હોય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતને બજાર પર નિર્ભર રહેવું પડતું નથી. ગાય આધારિત ખેતીમાં દેશી ગાયનું છાણ, ગોમૂત્ર, દાળનો લોટ અને ગોળ જેવા ઘરેથી ઉપલબ્ધ સંસાધનો વડે જીવામૃત અને ઘન જીવામૃત બનાવી શકાય છે, જેના કારણે ખર્ચ લગભગ શૂન્ય બની જાય છે.
તેમણે પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, તેઓ છેલ્લા અનેક વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં પાણીનો ઉપયોગ લગભગ અડધો થઈ ગયો છે, જમીનની ગુણવત્તા સુધરી છે અને પાકમાં રોગ આવવાનું બંધ થયું છે. રાસાયણિક ખેતી કરતા પડોશી ખેડૂતોની તુલનામાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધારે અને ખર્ચ ઓછો રહ્યો છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂત, સમાજ અને રાષ્ટ્ર – ત્રણેનું કલ્યાણ શક્ય છે. તેમણે આ પ્રકારના પરિસંવાદો દ્વારા પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સર્વ જયદ્રથસિંહ પરમાર અને નિમિષાબેન સુથાર, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે.ટિંબાડિયા, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, કૃષિ વૈજ્ઞાનિકો, પંચમહાલ જિલ્લાના અગ્રણી ખેડૂતો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ