


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ત્રિ-દિવસીય સશક્ત નારી મેળામાં રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશોના વિશેષ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પાટણ દ્વારા આયોજિત આ સ્ટોલમાં રસાયણિક ખાતર અને કીટનાશક દવાઓ વિના, સંપૂર્ણ ઝેરમુક્ત પ્રાકૃતિક પેદાશો પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ હતા.
મેળામાં ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, તેના ફાયદા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ઉપજ ક્ષમતા વધારવા તથા માનવ આરોગ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત નાગરિકોએ પ્રાકૃતિક ખેત પેદાશોમાં વિશેષ રસ દાખવી મોટી સંખ્યામાં ખરીદી કરી હતી.
આ મેળાના માધ્યમથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કાર્યરત ખેડૂતો અને મહિલાઓને મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળ્યું. ખેડૂતોની આવક વધારવા અને જનસામાન્યને ગુણવત્તાયુક્ત તથા સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે, જેમાં આવા મેળા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ