પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સના વાવેતર થકી આત્મનિર્ભરતાનો રાહ કંડારતો પાદરાનો ખેડૂત પરિવાર
- રણુ ગામના 69 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ જયસ્વાલે નવી પેઢીને ફળદ્રુપ જમીન વારસામાં આપવાના ઉમદા હેતુથી અપનાવી પ્રાકૃતિક ખેતી - અકોટા સ્ટેડિયમ ખાતે 20 થી 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત સશક્ત નારી મેળામાં ખેડૂત પુત્રવધુ સપનાબેન મિલેટ્સના સ્ટોલ દ્વાર
પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સના વાવેતર થકી આત્મનિર્ભરતાનો રાહ કંડારતો પાદરાનો ખેડૂત પરિવાર


પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સના વાવેતર થકી આત્મનિર્ભરતાનો રાહ કંડારતો પાદરાનો ખેડૂત પરિવાર


- રણુ ગામના 69 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ જયસ્વાલે નવી પેઢીને ફળદ્રુપ જમીન વારસામાં આપવાના ઉમદા હેતુથી અપનાવી પ્રાકૃતિક ખેતી

- અકોટા સ્ટેડિયમ ખાતે 20 થી 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત સશક્ત નારી મેળામાં ખેડૂત પુત્રવધુ સપનાબેન મિલેટ્સના સ્ટોલ દ્વારા ગ્રાહકોને પીરસશે શુદ્ધ આહાર

વડોદરા,20 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું રણુ ગામ આજે પ્રાકૃતિક

કૃષિના ક્ષેત્રમાં એક નવી દિશા ચીંધી રહ્યું છે. ખેતીને માત્ર વ્યવસાય નહીં પણ એક સામાજિક જવાબદારી ગણતા 69 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અશોક જયસ્વાલ છેલ્લા પાંચ વર્ષથી ઝેરમુક્ત અને પોષણક્ષમ મિલેટ્સ (શ્રી અન્ન)નું ઉત્પાદન કરીને અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

પોતાની પાઈપ્સ બનાવવાની ફેક્ટરી હોવા છતાં, ખેતી પ્રત્યેના વિશેષ લગાવને કારણે અશોકભાઈએ પ્રાકૃતિક ખેતીના માર્ગે ડગ માંડ્યા છે. તેમનું માનવું છે કે, આવનારી પેઢીને ધન-સંપત્તિ કરતા પણ વધુ જરૂર ફળદ્રુપ જમીનની છે. આ જ ઉમદા વિચાર સાથે તેમણે 10 વર્ષ પહેલા રાસાયણિક ખેતીનો ત્યાગ કર્યો હતો.

જમીનને શુદ્ધ કરવા માટે તેમણે સતત ત્રણ વર્ષ સુધી કોઈ પણ પાક લીધા વિના માત્ર જમીનની ફળદ્રુપતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી પ્રેરાઈને અશોકભાઈ પોતાની 9.5 વિઘા જમીનમાં સંપૂર્ણપણે મિલેટ્સનું ઉત્પાદન કરે છે. હાલમાં તેઓ રાગી, બાજરી, કોદરું, સામો (બાર્નિયર્ડ મિલેટ), કંગણી (ફોક્સટેલ મિલેટ) જેવા પાકો લઈ રહ્યા છે. આગામી સમયમાં વઘઈના કિસાન વિકાસ કેન્દ્રથી બિયારણ મેળવીને લિટલ મિલેટ અને સફેદ રાગીનું વાવેતર કરવાનું પણ તેમનું આયોજન છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વિચારોથી પ્રભાવિત અશોકભાઈએ પ્રાકૃતિક ખેતીના વિવિધ તાલીમ વર્ગોમાં ભાગ લીધો છે. તેઓ ખેતરમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા જેવા પાંચેય આયામોનું ચુસ્તપણે પાલન કરે છે, જેના પરિણામે ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહ્યો છે. અશોકભાઈના ખેતરમાં ઉગતા પાકના ઉત્પાદનોની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે તેમને બજાર શોધવાની જરૂર પડતી નથી.

વડોદરાની સૃષ્ટિ ઓર્ગેનિક જેવી સંસ્થાઓ તેમજ વિવિધ સરકારી કૃષિ મેળાઓ અને સ્વદેશી મેળાઓમાં તેમનો પાક હાથોહાથ વેચાઈ જાય છે.

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે 20,21,22 ડિસેમ્બર દરમિયાન આયોજિત સશક્ત નારી મેળામાં અશોકભાઈના પુત્રવધુ સપનાબેન જયસ્વાલને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ સ્ટોલ પરથી તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલા મિલેટ્સ અને તેનો લોટ સીધો જ ગ્રાહકો સુધી પહોંચાડશે.

આ તકે સપનાબેન જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના વોકલ ફોર લોકલ અને મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં યોજાયેલા આ મેળા દ્વારા અમને એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે. આનાથી સખી મંડળની બહેનો અને ખેતી સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક રીતે સમૃદ્ધ અને આત્મનિર્ભર બનશે.આમ, પ્રાકૃતિક ખેતીના ઉત્કર્ષ અને વોકલ ફોર લોકલના અભિગમ સાથે આયોજિત આ મેળો, નારી શક્તિના આર્થિક સ્વાવલંબન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસના ધ્યેયને મૂર્ત સ્વરૂપ પ્રદાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande