
અમરેલી, 20 ડિસેમ્બર (હિ.સ.) : ખાંભા તાલુકાના સિનિયર, સેવાભાવી એડવોકેટ એન્ડ નોટરી રાજુભાઈ હરિયાણીની ખાંભા વકીલ મંડળના સેક્રેટરી તરીકે સતત 12મી વખત વરણી થતા સમગ્ર તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તેમની આ ઐતિહાસિક વરણી તેમના નિષ્ઠાપૂર્ણ કાર્ય, પારદર્શકતા અને સૌને સાથે લઈને ચાલવાની કાર્યશૈલીનો પુરાવો માનવામાં આવી રહી છે.
રાજુભાઈ હરિયાણી માત્ર વકીલાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ ખાંભા શહેર અને તાલુકામાં મૂંગા પશુ-પક્ષીઓની સેવા, ધાર્મિક કાર્યો, સામાજિક સેવાકાર્યો તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ સતત અગ્રેસર રહ્યા છે. તાલુકાની અનેક સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટોમાં તેઓ નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. વડીલોથી લઈને યુવાનો સુધી સૌમાં લોકપ્રિય એવા રાજુભાઈ હરિયાણી સૌના સુખ-દુખમાં આગળ રહેતા હોવાથી “લોકલાડીલા” તરીકે ઓળખાય છે.
ભારત સરકાર દ્વારા માન્ય એડવોકેટ એન્ડ નોટરી તરીકે તેમની પ્રતિષ્ઠા વિશેષ છે. તેમની સતત 12મી વખતની નિમણૂક બદલ ખાંભા તાલુકાભરના આગેવાનો, વિવિધ જ્ઞાતિઓના પ્રતિનિધિઓ તથા જુદી જુદી સંસ્થાઓના આગેવાનો દ્વારા વધાવા અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ વરણીથી ખાંભા વકીલ મંડળ વધુ સક્રિય અને એકતાબદ્ધ બની આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai