
જામનગર, 20 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર એસઓજીની ટુકડી દ્વારા શહેરના ગુલાબનગર વિસ્તાર અને મોટી ખાવડી ગામમાં સધન તપાસ કરીને ગોગો સ્મોકીંગ કોર્નના જથ્થા અને પેપર પટ્ટી સાથે બે શખ્સને ઝડપી લીધા છે અને આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે.
હાલમાં રાજયમાં સગીર-યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ડાઇનેનીયમ ઓકસાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશીયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા કલોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. ગોગો કોર્ન, પેપર, રોલ જેવી વસ્તુઓ પાના પાર્લર, પરચુરણ કરીયાણાની દુકાનો, ચાની દુકાનો વિગેરે સ્થળ પરથી મળી રહેતા હોય છે જેના કારણે નશો કરવાની યુવા વર્ગમાં વધારો થાય છે આથી આ પ્રકારની વસ્તુઓ વેચાણ ન થાય તે બાબતે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ છે.
જામનગર જીલ્લામાં નો ડ્રગ્સ ઇન ગુજરાત તથા નશામુકત ગુજરાત અભિયાન અંતર્ગત રેન્જ આઇજી અશોકકુમાર તથા જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની, એએસપી પ્રતિભાએ આવા નશો કરવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, સામગ્રીઓનું વેચાણ કરનારાઓની સામે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી જામનગર એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, ઇન્ચાર્જ પીઆઇ લગારીયા, પીએસઆઇ એ.વી. ખેર અને સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લાભરમાં પાન-ગલ્લા અને દુકાનોમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસઓજીના લાલુભા, હર્ષદભાઇ તથા અનિઘ્ધસિંહને મળેલ બાતમી આધારે જામનગરના ગુલાબનગર પહેલા ઢાળીયા પાસે આવેલ આરઝુ પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી અહદશા શબીરશા શાહમદાર રહે. ગુલાબનગરના ગલ્લેથી ગોગો સ્મોકીંગ કોર્ન કુલ ૩૫ કિ. ૩૫૦ તથા ગોગો પેપરની પટ્ટી નં. ૭ મળી આવતા જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુઘ્ધ સીટી-બીમાં ફરીયાદ રજીસ્ટર કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત આ ઝુંબેશ અંતર્ગત એસઓજીના વિરેન્દ્રસિંહ, બલભદ્રસિંહ અને મયુરરાજસિંહને મળેલ બાતમી આધારે મોટી ખાવડી રામબાબુ ગુપ્તા પાનની દુકાનમાંથી ગોગો સ્મોકીંગ કોર્ન ૨૯ કિ. ૪૩૫ના જથ્થા સાથે મળી આવતા મુળ બિહારના નરકટીયા પુરવી ચંપારણ અને હાલ મોટી ખાવડી ગાયત્રી કોમ્પ્લેક્ષમાં રહેતા રામબાબુશાહ દીનાનાથશાહ ગુપ્તાને પકડી લતેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt