
જામનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર એસીબી શાખાએ ખંભાળિયા ગેઇટ નજીક આવેલી પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ઓફિસર તેમજ બ્રાન્ચ મેનેજર અને એક પ્રજાજન સામે મુદ્રા લોનની સબસીડી મંજૂર કરવાના બહાને રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરવા સંબંધે ડિમાન્ડ કેસ કર્યો છે.
આ કેસની એસીબી વિભાગમાંથી સાંપડતી વિગતો અનુસાર, તા.૧૩.૨.૨૦૨૪ના રોજ એસીબી શાખા દ્વારા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને જામનગરની પંજાબ નેશનલ બેંક ખંભાળિયા ગેઇટ શાખાના જે તે વખતના અધિકારી સંજય રાજકુમાર મીના, બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ ગણેશ પ્રસાદ રોય અને જામનગર એક નાગરિક ગિરીશ ગોજીયા કે જેઓ દ્વારા એક આસામીને મુદ્દા લોન મંજૂર કરી દેવાના બહાને રૂપિયા ૪૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જો કે, ખંભાળિયા નાકા બહાર હોટલ પાસે લાંચનું છટકું નિષ્ફળ નિવડયું હતું અને લાંચની રકમ લીધા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા.
આ પ્રકરણમાં એસીબી દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી હતી અને જે ત્રણેય વ્યક્તિએ, લાંચની રકમની માંગણી કરી હોવાથી બે વ્યક્તિએ રાજ્ય સેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવા અનુસંધાને સરકાર પક્ષે પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી જાતે ફરિયાદી બન્યા છે અને ત્રણેય સામે જામનગર એ.સી.બી.ની કચેરીમાં ડિમાન્ડ કેસ કરવામાં આવ્યો છે. રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સમગ્ર મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt