

અમદાવાદ, 21 ડિસેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ઘૂમંતુ કાર્ય અને શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા “વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્ર” કાર્યાલયનું સરસપુર, કર્ણાવતી ખાતે 21/12/2025 રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, સામાજીક આગેવાન અને નિવૃત્ત IAS પી બી પટણી, ગુજરાત પ્રાંતના ઘૂમંતુ કાર્ય સંયોજક ભાઈલાલ પટેલ, સહ સંયોજક પરેશભાઈ વ્યાસ અને કર્ણાવતી વિભાગના સંઘચાલકજી ભરતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા.
ઉદ્ઘાટન પ્રસંગે સુનિલભાઈ બોરિસાએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલતા ઘૂમંતુ કાર્યની અંતર્ગત આ કાર્યાલયનું પ્રારંભ થયું છે. આ કાર્યાલયમાં સમાજના સૌ લોકો આવે અને વિવિધ સેવાઓનો લાભ લે. સૌ સાથે મળી સમાજ અને વિસ્તારને પ્રગતિ માટે પ્રયત્ન કરે. વિશેષમાં ડો.સુનિલભાઈ બોરીસાએ કહ્યું કે આપણા સમાજમાં કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વબોધ અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનની વાત લઈને જવી પડશે, સમાજને આ વિષયો પર જાગૃત કરવા પડશે.
ભાઈલાલભાઈ પટેલ એ જણાવ્યું કે, આ યુગ કમ્પ્યુટર અને ITનો યુગ છે. આપણા સમાજને પણ આ યુગ સાથે ચાલવાની આવશ્યકતા છે. જેમ શરીરનો એકપણ અંગ લકવાગ્રસ્ત હોય એ શરીરને ચલાવવું મુશ્કેલ છે એવી રીતે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે દરેક સમાજનું સક્ષમ હોવું જરૂરી છે. સમાજ અને સંઘ સાથે મળી શિક્ષણ, સ્વાસ્થ્ય, યુવા અને મહિલાઓ માટે કામ કરીશું તો સમાજ ઉત્થાનના કાર્યને વેગ મળશે.
ઘૂમંતુ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય વિચરતી વિમુક્ત જાતિના લોકોનો સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ તેમજ સમાજોત્થાનનો છે. આ કાર્યાલય થકી સમાજ માટે વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને સમાજલક્ષી કાર્યો કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ