
જામનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો માણસ પાસે તંદુરસ્તી, નીરોગી અને સ્ફૂર્તિમંત શરીર વિના ગમે તેટલાં સુખ હોય તો પણ એ માણી શકાતાં નથી. આથી શરીરનું સ્વસ્થ હોવું એ પહેલું સુખ છે અને નીરોગી શરીર માટે નિયમિત યોગ અને કસરત કરવા જરૂરી છે. માણસ દરરોજ માત્ર એક કલાક વ્યાયામ, યોગ કે કસરત કરે તો અખો દિવસ તાજગીનો અનુભવ કરે છે અને અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળી રહે છે.
યોગ કરવાના ઘણા બધા ફાયદાઓ છે. તેમાં પણ શીયાળાની સવારે યોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. અપણા શહેર જામનગરમાં પણ શિયાળાની હળવી શરૂઆત થઇ ગઈ છે જયારે જામનગરવાસીઓ જેમાં નાના મોટા સૌ કોઈ શરીરનું સુખ અને તાજગી મેળવવા માટે ફિટનેસ સેન્ટર, યોગ સેન્ટર કે વહેલી સવારે બાગ બગીચાઓમાં યોગ, વ્યાયામ, કસરત કરતા જોવા મળી રહ્યા છે.
શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં નાના મોટા સૌ કોઈ મોર્નિંગ વોક સાથે આનંદની અનુભૂતિ કરે છે અને વિવિધ રમતો, દોડ, ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રમી શરીરને બનાવે છે તંદુરસ્ત. રોજીંદા જીવનની ભાગદોડમાં માણસ પોતાની માટે સમય કાઢવાનું ભૂલી જાય છે. પરંતુ હાલના સમયમાં ફિટનેસ જાળવવા, સ્ટ્રેસમાંથી મૂકત રહેવા તેમજ બોડી બનાવવા માટે મોટા ભાગના લોકો સજાગ છે અને નિયમિત પણે કસરત માટે સમય ફાળવી રહ્યા છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને ઠંડીની અસર પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જામનગરના લોકોમાં વહેલી સવારે મોર્નિંગ વોકથી માંડીને વિવિધ સ્પોર્ટસ એકિટવીટી અને કસરત કરવાનું પ્રમાણ વધ્યું છે. કહેવાય છે કે જો શિયાળાના ચાર મહિના પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે મહેનત કરવામાં આવે તો આખુ વર્ષ શરીર તંદુરસ્ત રહે છે.
જામનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ફીટનેસ અને યોગ સેન્ટર ચાલી રહ્યા છે. જુદા-જુદા યોગવર્ગમાં યોગાસન, સૂર્યનમસ્કાર, હેલ્થ યોગ, વોલ યોગ, પાવર ગરબા, ડાન્સ, તાબતા, એરોબીક્સ, વર્કઆઉટ, રિલેક્સિંગ, વેઇટ લોસ વગેરે પ્રકારના યોગ અને વ્યાયામ તથા અનેક પ્રવૃતિઓ કરાવવા આવે છે. જેના લીધે લોકો દીવસ દરમિયાન તાજગીનો તો અનુભવ કરે જ છે સાથે સાથે શરીર પણ નીરોગી અને ફીટ રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt