
જૂનાગઢ, 21 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો સાંસદ ફિનાલે જૂનાગઢમાં સરદાર પટેલ રમત સંકુલ ખાતે તા.૨૫ ડિસેમ્બરના રોજ યોજાશે. આ તકે કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત ખેલાડીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેલાડીઓ સાથે સંવાદ કરશે. ઉપરાંત ફિટ ઇન્ડિયા કોન્સેપ્ટ સમિતિ દ્વારા ખેલાડીઓને ફીટનેસ બાબતે જાગૃત કરવામાં આવશે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ પ્રસારણના માધ્યમથી સાંસદ ફિનાલેના ખેલાડીઓ સાથે સંવાદ કરશે.
સાંસદ ખેલ મહોત્સવમાં તા.૧૪/૧૨/૨૦૨૫ થી ૨૫/૧૨/૨૦૨૫ દરમિયાન તાલુકા કક્ષાએ, વિધાનસભા કક્ષાની બાદ સાંસદ ફિનાલેનો સમાવેશ કરી સાંસદ ખેલ મહોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં જુદી જુદી ૪ વયજૂથમાં ૮ જેટલી પ્રાદેશિક કક્ષાએ લોકપ્રિય રમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમા હાલ તાલુકા અને વિધાનસભા કક્ષાની સ્પર્ધાઓ સંપન્ન થયેલ છે.
અંતિમ પડાવમાં યોજાનાર સાંસદ ફીનાલેમાં ૭ વિધાનસભાઓના વિજેતા ખેલાડીઓ અને ટીમો વચ્ચે જુદી-જુદી ૭ સ્પર્ધાઓ ૪ વયજૂથમાં ૨૦૦૦ જેટલા ખેલાડીઓ ફાઈનલ રમશે. વધુ પોઈન્ટ મેળવનાર વિધાનસભાને જનરલ ચેમ્પિયનશીપ જાહેર કરાશે. ઉપરાંત વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને ટ્રેકશૂટથી સન્માનિત કરાશે. આ રીતે જૂનાગઢ જિલ્લા ખાતે ૧૧-પોરબંદર લોકસભા વિસ્તારનો ભવ્યાતિભવ્ય સમાપન સમારોહ યોજાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ