જામનગરમાં યોજાનારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું કેબિનેટ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે
જામનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં મહિલા સશક્તિકરણ હેઠળ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા ત્રિ-દિવસીય ''સશક્ત નારી મેળા-૨૦૨૫''નું આયોજન કરાયું છે. તે મુજબ તા. ૨૨ થી ૨૪ ડિસેમ્બર સુધી યોજાનાર મેળાને રાજ્
નારી શસ્ક્ત મેળાનું ઉદ્ઘાટન


જામનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં મહિલા સશક્તિકરણ હેઠળ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા-૨૦૨૫'નું આયોજન કરાયું છે. તે મુજબ તા. ૨૨ થી ૨૪ ડિસેમ્બર સુધી યોજાનાર મેળાને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'અને મહિલા નેતૃત્વ વિકાસના વિઝન સાથે સુસંગત રીતે રહીને સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને તેમને સશક્ત કરવાના ઉદૃેશ્યથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં તા. ૨૨-૧૨-૨૫ થી તા. ૨૪-૧૨-૨૫ દરમ્યાન ત્રણ દિવસ માટે સવારે ૧૦ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓશવાળ-૩, જામનગરમાં ભવ્ય 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા પાયાના સ્તરે કરવામાં આવતા પરિવર્તનકારી ઈનોવેશન અને ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. જેને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા ખુલ્લો મુકાશે.

મેળાનું મુખ્ય આકર્ષણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફટ, હેન્ડલૂમ, ફૂડ પ્રોડક્ટ, ઓર્ગેનિક અને હર્બલ વસ્તુઓ, જામનગરની પ્રખ્યાત બાંધણી, ઈમીટેશન જ્વેલરી, આયુર્વેદિક પ્રોડક્ટસ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટિરિયલ તથા ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ રહેશે. આ ઉપરાંત સ્વાદપ્રિય જનતા માટે અથાણા, પાપડ અને ખાખરા જેવી હાથ બનાવટની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવશે.

મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. તો નગરજનોને આ મેળાની મુલાકાત લેવા જિલ્લા વહીવટીતંત્ર જામનગર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande