
મોડાસા, 25 ડિસેમ્બર (હિ.સ.) વર્ષ 2014 માં અલગ જિલ્લો બનેલા અરવલ્લીમાં આજે પણ અનેક મહત્વપૂર્ણ સરકારી વિભાગોની કચેરીઓ શરૂ ન થવી એ સરકારની ગંભીર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. આ મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની કડક માંગ કરવામાં આવી.વનવિભાગની વિસ્તરણ રેન્જ, ખોરાક અને ઔષધ નિયંત્રણ, માજી સૈનિક વેલ્ફેર બોર્ડ, નશાબંધી આબકારી, અનુસૂચિત જાતિ–જનજાતિ નિગમ સહિતની કચેરીઓના અભાવે અરવલ્લીના નાગરિકોને આજે પણ બીજા જિલ્લામાં ધક્કા ખાવા પડે છે. વિકાસની વાતો માત્ર કાગળ પર છે, જમીન પર અરવલ્લી સતત અવગણાઈ રહ્યો છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે આદિવાસી અને ગ્રામ્ય જિલ્લાને મૂળભૂત સેવાઓથી વંચિત રાખવી એ અક્ષમ્ય છે. હવે અરવલ્લી વધુ અન્યાય સહન નહીં કરે.વધુ માં સ્પષ્ટ જણાવ્યું કે જો તાત્કાલિક કચેરીઓ શરૂ નહીં થાય તો જનહિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ