
પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં 108 એમ્બ્યુલન્સ ટીમે એમ્બ્યુલન્સમાં જ એક ગર્ભવતી મહિલાની સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે. આ અસાધારણ સેવાના બદલામાં ટીમને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
પ્રસુતિ પીડા થતાં મહિલાને સાંતલપુર CHCમાં લાવવામાં આવી હતી. તબીબી તપાસમાં બાળક ઊંધું અને વધુ વજનવાળું હોવાનું જણાતા, પ્રસુતિ નિષ્ણાતની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં રિફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો.
EMT સુધીરદાન ગઢવી અને પાયલોટ દિલીપરાઠોડ તાત્કાલિક સ્થળે પહોંચ્યા. દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ હેડ ઓફિસના ફિઝિશિયનની સલાહ લઈને દર્દીને રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવા રવાના થયા.
રસ્તામાં લગભગ દસ કિલોમીટર બાદ દર્દીની સ્થિતિ ગંભીર બની. ટીમે એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનો, તાલીમ અને અનુભવના આધારે ત્યાં જ સફળ પ્રસુતિ કરાવી. જન્મ સમયે બાળકના શ્વાસોશ્વાસ બંધ થતાં કૃત્રિમ શ્વાસોશ્વાસ અને ઓક્સિજન દ્વારા નવજાતને જીવદાન આપવામાં આવ્યું.
માતા અને બાળકી બંનેને સ્વસ્થ હાલતમાં વારાહી CHCમાં દાખલ કરાયા. આ બહાદુરી બદલ 18 ડિસેમ્બર, 2025ના રોજ હૈદરાબાદમાં આયોજિત કાર્યક્રમમાં EMRI GHSના ચેરમેન ડો. જીવીકે રેડ્ડીના હસ્તે બંને કર્મચારીઓને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ