
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના દરિયામાં ગેરકાયદે લાઈટ ફિશિંગ કરનાર માછીમારો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 20 દિવસમાં પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા 8 જેટલા પીલાણમાં સવાર 15 જેટલા માછીમારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરતા બિનઅધિકૃત રીતે ફિશિંગ કરનારાઓ માં ચર્ચાનો વિષય બન્યો છે. પોરબંદર માછીમાર બોટ એસો. દ્વારા દરિયામાં થતી ગેરકાયદે લાઈન ફિશિંગ, લાઈટ ફિશિંગ જેવી ગેરકાયદે ફિશિંગ મામલે અવાર-નવાર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે.
એક માસ પૂર્વે પોરબંદર બોટ એસો.એ જાતે દરિયામાં જઈ પ્રમુખની ઉપસ્થિતિમાં લાઈન ફિશિંગ કરનારા 9 જેટલી બોટોને પકડી પોરબંદરના સુભાષનાગર વિસ્તારમાં રાખવામાં આવી હતી. માછીમારોએ સરકાર અને તંત્રનું ધ્યાન દોર્યું હતું કે, આ ફિશિંગ નાના માછીમારો માટે નુકશાન કારક છે. ત્યાર બાદ સતત હાર્બર મરીન પોલીસ એક્શનમાં આવી છે. અને છેલ્લા 20 દિવસના આંકડા પર નજર કરીએ તો હાર્બર મરીન પોલીસ દ્વારા 8 જેટલા પીલાણા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 15 જેટલા માછીમારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી સતત ચાલુ રહેવી જોઈએ કારણ કે માછીમારોમાંથી મળતી વિગતો મુજબ માંગરોળથી ઓખા સુધીના દરિયામાં માથાભારે શખ્સો દ્વારા લાઈન અને LED ફિશિંગ કરવામાં આવી રહી છે. ત્યારે આવા માછીમારો વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે. કારણકે આવી લાઈટ અને લાઈન ફિશિંગથી દરિયાઈ જીવ શ્રુશ્તીને નુકશાની પંહોચે છે. લાઈન ફિશિંગમાં એક સાથે 10-15 બોટ હરોળમાં રહી એક જ જગ્યાએ ઊંડાળ સુધી જાળ નાખી ફિશિંગ કરતા હોવાથી ત્યાં જે નાની માછલીઓ હોય છે તેમના માટે નુકશાન કારક હોય છે. તેમજ એલ.ઈ.ડી. ફિશિંગ જે મોટી મોટી એલ.ઈ.ડી. રાખી કરવામાં આવે છે. તે પણ માછલીઓ માટે નુકશાન કારક છે. જેથી હાર્બર મરીન પોલીસ દ્વારા આવા માછીમારો વિરુદ્ધ સતતને સતત કાર્યવાહી ચાલુ રાખવા પોરબંદરના માછીમારોની માંગ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya