
જુનાગઢ 25 ડિસેમ્બર (હિ.સ.) આપણે ત્યાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય.હજારો વર્ષોથી ધાર્મિક ક્ષેત્રો, સામાજિક સંસ્થાઓ દ્વારા પવિત્ર ભાવનાથી હરિહર કરાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાએ બાળપણમાં ઉછેર કર્યો અને જેને માખણ પ્રિય હતું એવા ભગવાન શ્રીકૃષ્ણ નંદઘરમાં રહ્યા.આંગણવાડીઓને નંદ ઘર પણ કહેવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા આ જ અભિગમ સાથે શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા એક વર્ષથી અભૂતપૂર્વ પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેનું નામ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. જેના વિશે આજે આપણે માહિતગાર બનીશું.
આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આજનો વિદ્યાર્થી એ આવતીકાલના દેશનું ભવિષ્ય થશે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે આ યોજનાના અમલીકરણ થકી બાળકોને પોષણ, શિક્ષણ અને આરોગ્ય આમ ત્રિ સ્તરીય રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકાશે. ડિસેમ્બર ૨૦૨૪ થી આ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ પાડવામાં આવી હતી.
જેમાં રાજ્ય સ્તરે ૪૦,૦૦,૦૦૦ થી વધુ બાળકો નોંધાયેલા છે. આ યોજના અંતર્ગત વધારાના સંચાલકો, રસોયાની નિમણુંક માટે રાજ્ય સરકારે તેમના માનદ વેતનમાં ૫૦% જેટલો વધારો પણ કર્યો છે. આ ૧૦૦% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના છે. રૂ.૬૦૦ કરોડથી વધુ રકમનું જંગી બજેટ માત્ર ને માત્ર બાળકોના અલ્પાહાર માટે ફાળવવામાં આવ્યું છે.
સંત, શુરા અને દાતારની ધરતી એવા આ જુનાગઢ જિલ્લામાં આજની તારીખે ૧,૦૦,૦૦૦ થી વધુ બાળકોને સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનની સાથે અલ્પાહાર પણ પીરસવામાં આવે છે. આ તકે જુનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર જણાવે છે કે, જુનાગઢ જિલ્લામાં આવેલી ૭૦૦ થી વધુ જેટલી વિવિધ સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં બાળકોને મોર્નિંગ શિફ્ટમાં સવારની પ્રાર્થના બાદ અલ્પાહાર અને ત્યારબાદ મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે. ત્યારબાદ બપોર શિફ્ટમાં ૨ વાગ્યા સુધીમાં અલ્પાહાર આપવામાં આવે છે. અઠવાડિયા મુજબ દરરોજ અલગ અલગ ભાવતા ભોજનીયા ભૂલકાઓ જમે છે. જેમાં ઘઉંની સુખડી, મગફળી, શીંગ દાળિયા, ચાટ, ચણા, શીરો વગેરે પ્રકારની સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓ પીરસવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાઓમાં ૬ થી ૧૦ વર્ષના વયજૂથના બાળકો આ યોજનાથી લાભાન્વિત બન્યા છે. તેમજ માધ્યમિક શાળાઓમાં ૧૧ થી ૧૪ વર્ષના વયજૂથના બાળકો આ યોજના થકી લાભાન્વિત બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ