
જૂનાગઢ, 25 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય શ્રમ -રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રાલયના કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૫ના ફિનાલેને શક્તિના પ્રતિક રૂપ ગદા દર્શાવીને ખુલ્લો મુક્યો હતો. સાથે જ કેન્દ્રીય મંત્રીશ્રીએ રમતના મેદાનમાં રમતવીરો વચ્ચે જઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જૂનાગઢ શહેરના સરદાર પટેલ પ્રમુખ સંકુલ ખાતે આ સાંસદ ખેલ મહોત્સવના ફિનાલેને ખુલ્લો મુકતા અને રમતવીરોને પ્રેરિત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રમત સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ છે, તેનાથી વ્યક્તિત્વ ખીલે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ખેલ સંસ્કૃતિને સાંસદ ખેલ મહોત્સવ, ખેલો ઇન્ડિયા, ખેલ મહાકુંભ વગેરે પ્રકલ્પોથી આ આપણી રમત સંસ્કૃતિનું પુનઃ જાગરણ કર્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માટે ફીટ અને સ્વસ્થ નાગરિક હોવું આવશ્યક છે, દરેક નાગરિક ફીટ રહે તે માટે રમતો રમવી પણ એટલી જ જરૂરી છે. રમતના મેદાનમાં કોઈ હારતું નથી પણ જીતવા અને આગળ વધવા માટે પ્રેરણા મળે છે.
તેમણે જણાવ્યું કે, રમત દ્વારા કોઇપણ આર્થિક, સામાજિક કે અન્ય કોઈ ભેદભાવ વગર સમાનતાનો ગુણ પણ શીખવા મળે છે, અહીં જે ઉત્તમ કૌશલ્ય દાખવે અને પ્રદર્શન કરે છે તે આગળ વધે છે. રમતો શારીરિકની સાથે માનસિક રીતે ફીટ રહેવા કારગર સિદ્ધ થાય છે.
પોરબંદર લોકસભાના આ સાંસદ ખેલ મહોત્સવમાં ૧૨ થી ૮૨ વર્ષના ૩૦,૦૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રમતના મેદાનમાં જઈ રમતો રમ્યા છે, તેમણે ઉમેર્યું કે, રમવું સહજ સ્વભાવ છે, શેરી રમતો પણ રમતા આવ્યા છીએ.
પરંતુ આજે ડિજિટલ યુગમાં મોબાઇલ, ટેલિવિઝન વગેરેના પ્રભાવથી રમતો થી દૂર થયા છીએ, પરંતુ જુદા જુદા રમતોત્સવ માધ્યમથી રમતો રમવા અને ફીટ રહેવા માટે પ્રેરણા મળી રહી છે. અંતમાં તેમણે સાંસદ ખેલ મહોત્સવના ફિનાલેના પ્રતિભાગીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ખાસ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ખેલાડી પ્રિયંકાબેન ગોસ્વામીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
ઉપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીનું ઇન્ટર યુનિવર્સિટી યોગા સ્પર્ધામાં ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી વાજા શાહનવાજનું કેન્દ્રીય રમત ગમત મંત્રીશ્રીએ બહુમાન કર્યું હતું.
આ સાંસદ ખેલ મહોત્સવના ફિનાલેમાં અન્ડર ૧૪, ૧૭, અબોવ ૧૭ અને ઓપન એજ કેટેગરીમાં આશરે ૧૮૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવમાં કબડ્ડી,ખોખો, કુસ્તી, રસ્સાખેચ, એથ્લેટિક્સ, વોલીબોલ, યોગા વગેરે રમતોનો ફિનાલે યોજાઈ રહ્યો છે.
આ સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભમાં પોરબંદર લોકસભા હેઠળની કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ગોંડલ અને જેતપુર વિધાનસભા વિસ્તારના વિજેતા ખેલાડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી, ઉપરાંત સાંસ્કૃતિક મણિયારા રાસની પ્રસ્તુતિથી ખેલાડીઓમાં જોમ જુસ્સો ઉમેરાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી- અધિકારીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ