



- ‘કચરામાંથી કંચન’: એગ્રિવેસ્ટમાંથી ઑર્ગેનિક ખાતર બનાવી, 26 ફર્ટિલાઇઝર સહિત 70 પેટન્ટ મેળવી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં મહત્વપૂર્ણ પગલું
- i-Hubની સહાયથી શરૂ થયેલું સ્ટાર્ટઅપ ખેડૂતને પોતાના જ ખેતીકચરામાંથી વર્ષે 80 થી 90 હજારનો ફાયદો અપાવે છે
- અમદાવાદ શહેરના 400 ટન કચરામાંથી ખાતર અને દિલ્હી આસપાસના 51 તાલુકામાં પરાળી બાળવાથી થતાં પ્રદૂષણનો ઉકેલ લાવવાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ
અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) એર ક્વૉલિટી ઇન્ડેક્સ. આજ દિવસ સુધી ખૂબ ઓછો જાણીતો આ શબ્દ એકાએક દરેક વ્યક્તિના મોઢે સંભળાઈ રહ્યો છે. કારણ છે, પ્રદૂષણનું વધતું સ્તર. જેની પાછળ જવાબદાર પરિબળોમાંથી એક છે, ખેતરોમાં સળગાવવામાં આવતી પરાળી. સરળ ભાષામાં કહીએ, તો પાક લણી લીધા બાદનો વધેલો કચરો. પણ, યુવા આંન્ત્રપ્રિન્યોર કિરણભાઈ મકવાણાએ આનો વ્યવહારુ ઉપાય શોધી કાઢ્યો છે. જેમાં તેને આર્થિક સહાય મળી, આઈ-હબ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગની.
તે આ કચરામાંથી ઑર્ગેનિક ખાતર બનાવી, સાડા ચારસોથી વધુ ખેડૂતોને રોજગારી પણ આપી રહ્યા છે. એટલું જ નહીં, આ કૉલેજ ડ્રોપઆઉટના નામે આજે 26 ફર્ટિલાઇઝર પેટન્ટ સહિત કુલ 70થી વધુ પેટન્ટ્સ પણ નોંધાઈ ચૂકી છે. વધુમાં, ખેતીવાડીને લગતાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને સહાય કરતી પુસા કૃષિ સંસ્થાની સાથે દિલ્હી આસપાસના પંજાબ, હરિયાણા-નોઇડા, ઉત્તર પ્રદેશના 51 તાલુકાના ખેડૂતોના એગ્રિકલ્ચરલ વેસ્ટમાંથી ખાતર બનાવવા માટેના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેનાથી આ તાલુકાઓમાં દર વર્ષે ખેતરોમાં પરાળી સળગાવવાના કારણે થતાં વાયુ પ્રદૂષણની સમસ્યાથી મહદંશે છૂટકારો મેળવીને વડાપ્રધાનશ્રીના ‘નેટ ઝીરો કાર્બન ફૂટ પ્રિન્ટ’ના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્ત્વનું સીમાચિહ્ન બનશે, તેવો વિશ્વાસ તેમને છે.
તો ચાલો જાણીએ, કિરણભાઈની આ યાત્રા વિશે…
ભાવનગરના સિહોરના કિરણભાઈ જણાવે છે કે ધો.12 સાયન્સ પછી પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડવો પડ્યો. પિતાની બે એકર જમીનમાં ખેતી કરતી વખતે પાક લણ્યા બાદ 12થી 15 ટન જેટલો કચરો રહેતો, જેને સળગાવવાથી ધુમાડો, શ્વાસની તકલીફ અને જમીનની ફળદ્રૂપતા ઘટતી. શાળામાં શીખેલી વિજ્ઞાન પ્રવૃત્તિઓને આધારે તેમણે આર એન્ડ ડી શરૂ કરી અને વર્ષ 2018-19માં સફળતા મેળવી. 2019માં પેટન્ટ માટે અરજીઓ કરી અને 2023માં અમુક પેટન્ટને મંજૂરી મળી. આ રીતે ‘એગ્રી નાઇટ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ની સ્થાપના થઈ. આજે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 4થી 5 કરોડ રૂપિયા છે અને આગામી વર્ષે 2થી 3 કરોડના વધારાનો અંદાજ છે.
સમગ્ર પ્રોજેક્ટ માટેની મશીનો પણ કિરણભાઈએ જાતે ડિઝાઇન કરી છે. સનદી અધિકારી રણજીત કુમારના માર્ગદર્શનથી તેમને આઈ-હબ અને લઘુ-મધ્યમ ઉદ્યોગ વિભાગ વિશે જાણકારી મળી, જેના દ્વારા અત્યાર સુધીમાં આશરે 42 લાખ રૂપિયાની આર્થિક સહાય સાથે પેટન્ટ પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ અંગે કિરણભાઈ જણાવે છે કે ‘એગ્રી નાઇટ્રો ઇન્ડિયા’ સ્ટાર્ટઅપ ખેતીના કચરાને એકત્ર કરીને તેને 26 પ્રકારના પેટન્ટેડ ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરે છે. ખેડૂતો પાસેથી મળેલા કચરાને તેઓ ક્વૉલિટી મુજબ અલગ કરે છે. આ પ્રક્રિયામાં લગભગ 8-10 દિવસ જેટલો સમય લાગે છે. ત્યાર બાદ તેમાંથી તૈયાર કમ્પોસ્ટ પર પ્રક્રિયા કરીને ઑર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરાયેલા ખાતરને કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા પણ માન્યતા મળી છે.
ભાવનગરમાં કાર્યરત પ્લાન્ટ દરરોજ 100 ટન કૃષિ અવશેષ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે અને અત્યાર સુધીમાં 5 લાખ ટનથી વધુ ખેતીકચરાને ઉચ્ચ ગુણવત્તાવાળા સજીવ ખાતરમાં ફેરવી ચૂક્યો છે. કંપનીનું ખેડૂત કેન્દ્રિત મોડલ બે રીતે કાર્ય કરે છે—કન્ઝ્યુમેબલ મોડલ અને બાય-મેન્યુફેક્ચર-સેલ મોડલ—જ્યાં ખેડૂતોને ખાતર મળે છે અથવા કચરામાંથી પ્રતિ કિલો 3થી 4 રૂપિયા સુધીની આવક થાય છે. સખી મંડળ મારફતે ખાતર વેચાણથી મહિલા સશક્તીકરણને પણ વેગ મળ્યો છે.
આ ઓર્ગેનિક ખાતરના સતત ઉપયોગથી ત્રીજા વર્ષથી ખેતીની ઉપજમાં સરેરાશ 2.5થી 10 ટકા સુધીનો વધારો થાય છે. જમીન સ્વસ્થ બને છે, પાણી ધારણ કરવાની ક્ષમતા વધે છે અને સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે. રાસાયણિક ખાતરો પરનો આધાર 95 ટકા સુધી ઘટવાથી ખર્ચમાં બચત થાય છે. પરિણામે, ખેડૂતદીઠ વર્ષે કુલ 80થી 90 હજાર રૂપિયાનો વધારાનો લાભ થાય છે. હાલ કંપની સાથે જોડાઈને 450થી વધુ ગ્રામજનોને સીધો રોજગાર મળ્યો છે, જેમાં અડધોઅડધ મહિલાઓનો સમાવેશ થાય છે.
કિરણભાઈનું લક્ષ્ય સમગ્ર ગુજરાતને Zero Agricultural Waste અને 100 ટકા Organic Fertilizer State બનાવવાનું છે. અમદાવાદ કૉર્પોરેશન અને ખાનગી કંપનીઓ સાથે મળીને શહેરના બગીચા, તળાવો સહિત દરરોજ 400 ટન કચરામાંથી ખાતર બનાવવા પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. ‘પુસા કૃષિ’ સંસ્થા સાથે મળીને દિલ્હી, નોઇડા-હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના 51 તાલુકાઓમાં પરાળીમાંથી ખાતર બનાવવા પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
આ મોડલથી દર વર્ષે 78 લાખ ટનથી વધુ ખેતીકચરાનું રિસાયક્લિંગ, અંદાજે એક લાખ લોકોને રોજગાર અને 95 ટકા સુધી વાયુપ્રદૂષણમાં ઘટાડો કરવાની કિરણભાઈની યોજના છે. સાથે જ, 1.77 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ઉત્સર્જન ટાળવામાં મદદ મળશે. ‘કચરામાંથી કંચન’ ઊભું કરતું આ સ્વદેશી ગુજરાત મોડલ ટકાઉ અને પર્યાવરણમિત્ર કૃષિ તરફ એક પગલું નહીં, પણ મોટી હરણફાળ બનવાની ક્ષમતા ધરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ