


પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં રાજ્ય સરકારના ગ્રાહક બાબતોના વિભાગ, પાટણ કલેક્ટર કચેરી, કાનૂની માપ વિજ્ઞાન કચેરી પાટણ તથા ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સિદ્ધપુરની શેઠ એલ.એસ. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.
ભારત સરકાર દ્વારા નિર્ધારિત “ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમ અને ઝડપી નિકાલ” થીમ હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાની કન્ઝ્યુમર ક્લબ અને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા ગ્રાહક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સેમિનાર, પરિસંવાદ અને વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓ તથા નાગરિકોને ગ્રાહક તરીકેના અધિકારો અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણની મોબાઈલ ફૂડ લેબોરેટરી વાન દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણીનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિતોને જાગૃતિ પેમ્પ્લેટ્સનું વિતરણ કરાયું હતું.
આ ઉજવણીમાં કાનૂની માપ વિજ્ઞાન કચેરી પાટણના જુનિયર નિરીક્ષક જે. એમ. પટેલ અને આર. આર. પટેલ, ફૂડ સેફ્ટી કેમેસ્ટ્રી ઓફિસર દિવ્યાંગ પી. પંડિત, ગૌરાંગ શુક્લ તથા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના લીગલ ઓફિસર આર. ડી. ડોડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્રના નિયામક એમ. પી. ઠાકોર, કન્ઝ્યુમર ક્લબ કન્વીનર એમ. ડી. વ્યાસ અને શાળાના આગેવાનોએ ગ્રાહક અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ