સખી મંડળના બહેનોએ પરંપરાગત હેન્ડવર્કને આધુનિક ડિઝાઇન સાથે રજૂ કરતા જામનગરના “સશક્ત નારી મેળા”માં મળ્યો ઉમદા પ્રતિસાદ
જામનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : બદલાતી પેઢી અને આધુનિક જીવનશૈલી વચ્ચે પરંપરાગત કળાને જીવંત રાખવા માટે જામનગરના બહેનોએ પોતાની મહેનત, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસના બળે પરંપરાગત હેન્ડવર્કને આધુનિક કળાની નવી ઓળખ આપી છે. જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા
પરંપરાગત હેન્ડ વર્ક


જામનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : બદલાતી પેઢી અને આધુનિક જીવનશૈલી વચ્ચે પરંપરાગત કળાને જીવંત રાખવા માટે જામનગરના બહેનોએ પોતાની મહેનત, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસના બળે પરંપરાગત હેન્ડવર્કને આધુનિક કળાની નવી ઓળખ આપી છે.

જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા મંજુબેન ગોસરે બાળપણથી જ હાથકામ, કઢાઈ અને પરંપરાગત ડિઝાઇન પ્રત્યે ખાસ રસ ધરાવ્યો હતો. સમય જતાં તેમને સમજાયું કે નવી પેઢીને આ કળાઓ સાથે જોડવા માટે તેમાં આધુનિક ડિઝાઇન અને ઉપયોગિતા ઉમેરવી જરૂરી છે. આ વિચાર સાથે તેમણે જેસલબેન રબારી અને અન્ય મહિલાઓ સાથે મળી પરંપરાગત કારીગરીમાં આધુનિક રંગો, પેટર્ન અને ડિઝાઇનનો સમાવેશ કરી અનોખી કલાત્મક વસ્તુઓ તૈયાર કરવાનું શરૂ કર્યું.

તેમના દ્વારા બનાવવામાં આવતા હેન્ડમેડ બેગ, ઘરડેકોરની વસ્તુઓ, વોલ હેંગિંગ, ફેશન એક્સેસરીઝ, તોરણ, પડદા, ઈંઢોણી, રજાઈ, ચણીયાચોળી જેવી વસ્તુઓમાં પરંપરાની સુગંધ સાથે આધુનિકતાનો સુંદર સંગમ જોવા મળે છે. ખાસ કરીને યુવાપેઢી અને શહેરી ગ્રાહકોમાં તેમની કળાને ખૂબ પસંદગી મળી રહી છે.

દેવળજૂથ, વસઈના મહિલાઓની મહેનતને સાચી ઓળખ ત્યારે મળી જ્યારે જામનગરમાં સરકાર દ્વારા આયોજિત “સશક્ત નારી મેળા”માં તેઓએ ભાગ લીધો. આ મેળામાં તેમના સ્ટોલને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપી તેમની કળાની પ્રશંસા કરી અને ખરીદી પણ કરી છે. આ મેળો તેમના માટે માત્ર વેચાણનું માધ્યમ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ વધારવાનો અને પોતાની ઓળખ બનાવવાનો મોટો અવસર સાબિત થયો છે.

જામનગર તાલુકાના વસઈ ગામે રહેતા અને દેવળજૂથ સખીમંડળના સભ્ય મંજુબેન જણાવે છે કે, તેઓએ સશક્ત નારી મેળામાં પેચવર્ક, આભલા વર્ક, મોતીવર્ક માંથી બનાવેલ અવનવી વસ્તુઓ જેવી કે ચણીયાચોળી, હેન્ડબેગ, બેડશીટ, ચાકળા જેવી વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે રાખી છે. અમારા સખીમંડળમાં ૧૦ બહેનો છે.

આ પારંપરિક કળાને અમારી પેઢીઓએ ૧૦૦ વર્ષોથી જીવંત રાખી છે. તેમજ ગ્રાહકોની અપેક્ષા અનુસાર કોઈપણ વસ્તુઓ કસ્ટમાઈઝ પણ કરી આપીએ છીએ. આ તમામ વસ્તુઓમાં વાપરવામાં આવતું મટીરીયલ સારી ગુણવત્તાનું હોવાથી અને હેન્ડવર્કનું હોવાથી વસ્તુઓ ટકાઉ હોય છે. અમારી આ કળાને લોકો સુધી પહોચાડવા માટે સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ સરકારનો અભાર વ્યક્ત કરું છું.

સખીમંડળના અન્ય યુવા મહિલા જેસલબેન રબારી કે, જેઓને પરંપરાગત વસ્તુઓને મોર્ડન ટચ આપવાનો વિચાર આવ્યો તેઓ જણાવે છે કે, સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના ઘણા પ્રયાસો કરે છે. માટે અમને વિચાર આવ્યો કે ટ્રેડીશનલ વસ્તુઓને મોર્ડન ટચ આપીને લોકો સુધી પહોચાડીએ. અમારી આ પહેલને જામનગર જિલ્લા વહીવટી તંત્રએ જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવી નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે બદલ સરકાર અને વહીવટી તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું. અમારી ટીમના લીડર દક્ષાબેન અને પરિવારના સભ્યોની મદદથી અમારી કળાને નવી ઓળખ મળવામાં ઘણો સહયોગ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા યોજાતા આવા મેળાઓ મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. જામનગરની આ સશક્ત નારીઓ આજે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. તેઓ સાબિત કરે છે કે પરંપરાગત કળા જો નવી વિચારસરણી સાથે આગળ વધે તો તે બદલાતી પેઢીમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande