
જામનગર, 25 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં ભૂમિબેન ટાંક નામના મહિલાને નિઃશુલ્ક સ્ટોલની સુવિધા મળી હતી. આ સ્ટોલ દ્વારા મહિલાએ પરંપરાગત લીપણઆર્ટ અને મડવર્કનું પ્રદર્શન તથા વેચાણ કરીને રોજગારી મેળવી છે.
જામનગર સહીત અન્ય જિલ્લાઓમાં સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી મહિલાઓને હસ્તકલા, ગૃહઉદ્યોગ અને પરંપરાગત કળાઓ રજૂ કરવાની તક મળી છે. ત્યારે ભુમિબેને લીપણ આર્ટ અને મડવર્કના આકર્ષક નમૂનાઓ રજૂ કરી મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
નિઃશુલ્ક સ્ટોલ મળવાથી તેમને આર્થિક ચિંતા કર્યા વગર પોતાની કળા રજૂ કરવાની તક મળી, જેના કારણે આવકમાં વધારો થયો અને આત્મવિશ્વાસ પણ વધ્યો. આવી પહેલો મહિલાઓને ઘરબેઠાં આવક મેળવવા અને પોતાની કળાને ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ભૂમિબેન ટાંક જણાવે છે કે, હું લીપણઆર્ટ અને કચ્છના મડવર્ક માંથી અવનવી સુશોભનની વસ્તુઓ બનાવુ છું. આ વર્ક ઘણું જુનું હોવા છતાં ટ્રેન્ડમાં છે. જેને ધ્યાનમાં રાખીને હું બર્થડે, એનીવર્સરી કે બીજા કોઈ પણ પ્રસંગમાં ગીફ્ટ આપવા માટે વસ્તુઓ કસ્ટમાઈઝ કરી આપું છું. હું વોલફ્રેમ, દીવડા, રંગોળી, નેમપ્લેટ, ફોટોફ્રેમ જેવી વસ્તુઓ બનાવું છું. અને કોઈને આર્ટ શીખવું હોય તો કલાસીસ પણ કરાવુ છું. તેઓ વધુમાં જણાવે છે કે, સરકારે સશક્ત નારી મેળામાં વિનામુલ્યે સ્ટોલ ફાળવ્યો તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું. લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર સહકાર આપે છે. લીપણઆર્ટ અને મડવર્ક ટ્રેન્ડમાં હોવાથી તેઓને રોજગારી પણ મળી રહે છે.
ઉલ્લેખનીય છે કે,લીપણ આર્ટ ગુજરાતની પરંપરાગત લોકકળા છે, જે ખાસ કરીને કચ્છ વિસ્તારમાં પ્રચલિત છે. આ કળામાં માટી, ગાયના છાણ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને દિવાલો પર સુશોભિત ડીઝાઈન બનાવવામાં આવે છે. જે ઇકોફ્રેન્ડલી અને હેન્ડમેડ હોવાથી લોકપ્રિય બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો થકી પરંપરાગત કળાઓને નવી ઓળખ મળી રહી છે અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવાની તક મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt