
અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી લોકસભા વિસ્તારના ધારી વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ કિસાન ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ખેડૂતોના પ્રશ્નો, ખેતી ખર્ચ, પાકના ભાવ, સિંચાઈ અને વીજળી જેવી મૂળભૂત સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા તથા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તથા પ્રદેશ સંગઠનના મહામંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા પૂર્ણ થયા બાદ ધારી ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નેતાઓએ ખેડૂતોને સંબોધન કર્યું હતું.
જનસભામાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, છતાં તેમના પ્રશ્નો તરફ સરકારનું પૂરતું ધ્યાન નથી. તેમણે ખેડૂતોને ન્યાય અપાવવાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટી હંમેશા તેમના સાથે ઉભી રહેશે તેવી ખાતરી આપી હતી.
પ્રદેશ સંગઠન મહામંત્રીએ પણ ખેડૂતોના હિતમાં મજબૂત સંગઠન અને એકતાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “કિસાન ન્યાય”ના નારા ગુંજ્યા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai