ભારે વરસાદના નુકસાનમાં વેપારીને રાજ્ય ગ્રાહક કોર્ટથી મળ્યો ન્યાય
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના એક ફર્નિચર વેપારીને ભારે વરસાદથી થયેલા નુકસાન બદલ વળતર ન આપવાનો જિલ્લા ગ્રાહક કમિશનનો હુકમ રાજ્ય ગ્રાહક કોર્ટે રદ કર્યો છે. રાજ્ય કોર્ટે વીમા કંપની અને બેંકને વેપારીને વ્યાજ સહિત ₹12 લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદે
ભારે વરસાદના નુકસાનમાં વેપારીને રાજ્ય ગ્રાહક કોર્ટથી ન્યાય


પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના એક ફર્નિચર વેપારીને ભારે વરસાદથી થયેલા નુકસાન બદલ વળતર ન આપવાનો જિલ્લા ગ્રાહક કમિશનનો હુકમ રાજ્ય ગ્રાહક કોર્ટે રદ કર્યો છે. રાજ્ય કોર્ટે વીમા કંપની અને બેંકને વેપારીને વ્યાજ સહિત ₹12 લાખથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ વેપારી પાટણના કૃષ્ણમ પ્લાઝા કોમ્પલેક્ષમાં ભોંયરામાં દુકાન ધરાવે છે. તેમણે 28 માર્ચ 2015ના રોજ પાટણ નાગરિક સહકારી બેંક મારફતે બજાજ આલિયાન્ઝ વીમા કંપની પાસેથી માલસામાનની વીમા પોલિસી લીધી હતી. 27 જુલાઈ 2015ના રોજ ભારે વરસાદને કારણે દુકાનમાં પાણી ભરાઈ જતા ફર્નિચરને ભારે નુકસાન થયું હતું.

વેપારીએ વીમા કંપનીમાં વળતર માટે અરજી કરી હતી અને સર્વે પણ થયો હતો, પરંતુ વીમા કંપનીએ “માલ ભોંયરામાં રાખેલ છે” તેવું કારણ આપી વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ વેપારીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી, જ્યાં તેમની ફરિયાદ ફગાવી દેવામાં આવી હતી.

આ હુકમ સામે વકીલ દર્શકભાઈ ત્રિવેદી મારફતે રાજ્ય ગ્રાહક કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. રાજ્ય ગ્રાહક કોર્ટના ઇન્ચાર્જ પ્રમુખ એલ.ડી. પટેલે અપીલ મંજૂર કરી અને બેંક તથા વીમા કંપનીને સંયુક્ત રીતે ₹6,67,627 પર 8 ટકા વ્યાજ, માનસિક ત્રાસ બદલ ₹25,000 અને ખર્ચ પેટે ₹10,000 ચૂકવવાનો આદેશ આપ્યો, જેના કારણે કુલ વળતર ₹12 લાખથી વધુ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande