'જન કલ્યાણ શિવ વંદના' પદયાત્રાની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભવ્ય પૂર્ણાહૂતિ
ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં તા.20 ડિસેમ્બરના રોજ ઘેલા સોમનાથ થી શરૂ થયેલી ''જન કલ્યાણ શિવ વંદના'' પદયાત્રાની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય પૂર્ણ
જન કલ્યાણ શિવ વંદના' પદયાત્રા


ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં તા.20 ડિસેમ્બરના રોજ ઘેલા સોમનાથ થી શરૂ થયેલી 'જન કલ્યાણ શિવ વંદના' પદયાત્રાની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય પૂર્ણાહૂતિ થઈ હતી. મંત્રી સહિત પદયાત્રીઓએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મંત્રીએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝૂકાવીને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ મંત્રીએ પૂજન-અર્ચન કર્યાં હતાં. શ્લોકના મધુર ઉચ્ચારણોની ગૂંજ વચ્ચે પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પરિસરમાં મહાપૂજા-ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી.

પરિવાર સહ સોમનાથ મંદિરની પરિક્રમા કરી મંત્રીએ સ્વહસ્તે 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદ સાથે ધ્વજારોહણ કરી હતી. મંદિર પરિસરની પરિક્રમા દરમિયાન પદયાત્રીઓના સમૂહગાન 'નગર મેં જોગી આયા....', 'સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય.... ', 'તારી ધૂન લાગી ભોળા....તારી ધૂન લાગી...' સહિતના શિવભજનોથી વાતાવરણ આદ્યાત્મિક બન્યું હતું.

આ રીતે તા.20 ડિસેમ્બર થી મંત્રીની અધ્યક્ષતામાં ઘેલા સોમનાથ થી શરૂ થયેલી 229 કિ.મી લાંબી 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'ની પ્રભાસ ક્ષેત્રના શિવ સાન્નિધ્યમાં સફળતાપૂર્વક પૂર્ણાહૂતી થઈ હતી.

આ તકે, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત અગ્રણીઓ અને પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande