




- જોખમી વેસ્ટ મટિરિયલ 'એઓએસ ઇકોનોમી એસિડિક લિક્વિડ' ગેરકાયદેસર રીતે વેચી રહ્યા છે
ભરૂચ, 27 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને મળેલી એક ફરિયાદમાં વાલિયા તાલુકાના કનેરાવ ખાતે કાર્યરત ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના સલ્ફોનેશન પ્લાન્ટ વિરુદ્ધ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ફરિયાદીઓએ કંપની પર આરોપ મૂક્યો છે કે કંપની જોખમી વેસ્ટ મટિરિયલ 'એઓએસ ઇકોનોમી એસિડિક લિક્વિડ' તરીકે ગેરકાયદેસર રીતે વેચી રહ્યા છે. આ રીતે બારોબાર વેચવું જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કંપની કરી રહી છે.
આ ફરિયાદ તા. 17 ડિસેમ્બર 2025ના પત્રના અનુસંધાનમાં કરવામાં આવી છે, જેમાં રીજનલ ઓફિસર ડો. જે.ડી. ઓઝા દ્વારા કરવામાં આવેલી તપાસનો ઉલ્લેખ છે. ગોદરેજના વાલિયા પ્લાન્ટમાં ઉત્પાદિત થતા પ્રોડક્ટ્સ જીપીસીબીના નિયમો અનુસાર નથી. ખાસ કરીને એઓએસ ઇકોનોમી એસિડિક લિક્વિડને જોખમી અને હાનિકારક મટિરિયલ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે કંપનીના પ્રોડક્શન પ્રોસેસમાંથી નીકળતા વેસ્ટ તરીકે ઓળખાય છે.આ વેસ્ટને નષ્ટ કરવાની જગ્યાએ બજારમાં વેચવામાં આવી રહ્યો છે જે ગુનાહિત કૃત્ય છે અને પર્યાવરણ તેમજ જાહેર આરોગ્ય માટે જોખમી છે.
સેમ્પલની તપાસ અને જપ્તી: તા. 17/12/2025ની તપાસ દરમિયાન લેવાયેલા સેમ્પલને તાત્કાલિક ધોરણે ફરિયાદીઓની હાજરીમાં જપ્ત કરીને અલગ-અલગ ડ્રમમાંથી પરીક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં કાઉન્ટર સેમ્પલ પણ આપવાની વિનંતી છે.
ઉત્પાદન અને વેચાણના રેકોર્ડની તપાસ 2021થી 2025 સુધીના ઉત્પાદનની માત્રા, વેચાણના સ્થળ અને વેન્ડર્સની તપાસ કરવાની માંગ છે. આ મટિરિયલ ખરીદનારા વેન્ડર્સ વેસ્ટ મટિરિયલના ખરીદદાર છે અને કંપનીના અધિકૃત ડીલર્સ નથી.
મંજૂરી અને નિકાલની તપાસ: જો આ મટિરિયલના ઉત્પાદન માટે જીપીસીબીની મંજૂરી લેવામાં આવી હોય તો તેની ચકાસણી કરવી અને જો ના હોય તો કાર્યવાહી કરવી. કંપનીમાં હાલના જથ્થાનો નિકાલ જીપીસીબીની દેખરેખમાં કરવાની વિનંતી છે.
ટેક્સ અને જીએસટીની તપાસ આ વેચાણ પર ટેક્સ ભરવામાં આવ્યો છે કે નહીં તેની તપાસ જીએસટી કમિશનર દ્વારા કરવાની માંગ છે.
તપાસની પારદર્શિતા તપાસ દરમિયાન ફરિયાદીઓને હાજર રાખવા, વીડિયો રેકોર્ડિંગ કરવા અને જીપીસીબીના ચેરમેન આર બી બારડ, પીઆઈઓ જીતેન્દ્રસિંહ મહીડા , અંકલેશ્વર જીઆઈડીસી રીજનલ ઓફિસર ડો. જીગ્નાસા.ડી. ઓઝાની દેખરેખમાં તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે.
મટિરિયલમાંથી કોઈ પ્રોડક્ટ બનાવવું શક્ય નથી અને તેનો ઉપયોગ માનવ આરોગ્ય માટે હાનિકારક છે. ફરિયાદીઓએ તપાસની માહિતી અને કાર્યવાહી અંગે જીપીસીબી પાસેથી જાણકારી માંગી છે, જે હજુ સુધી મળી નથી.ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ આ આરોપો અંગે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કંપનીના વાર્ષિક અહેવાલોમાં પર્યાવરણીય અનુપાલન અને ગ્રીન કેમિસ્ટ્રી પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ આ તાજા આરોપોને લઈને જીપીસીબી તરફથી તપાસની અપેક્ષા છે.
જીપીસીબીના અધિકારીઓએ જણાવ્યું કે આવી ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે છે જેની તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અનુસાર, આવા મટિરિયલનું વેચાણ અને નિકાલ કડક નિયમો જીપીસીબીના રૂલ 9 ને આધીન છે. ગોદરેજ કંપનીએ આખું ચોમાસું જીપીસીબી અંકલેશ્વરની મહેરબાનીથી કેમિકલ વેસ્ટ નલધરીના કોતરમાં ઠાલવ્યું છે છતાં અધિકારીઓએ માત્ર તપાસના બહાના કાઢ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ