
મહેસાણા, 27 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા, પાટણ અને મહીસાગર જિલ્લાના વિજ્ઞાન મેળામાં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષકો માટે Start-up Brainstorming Workshopનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન દૃષ્ટિ અને ઉદ્યોગસાહસિક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હતો.
વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વિજ્ઞાન પ્રોજેક્ટને સ્ટાર્ટ-અપ આઈડિયા તરીકે કેવી રીતે વિકસાવી શકાય, માર્કેટની જરૂરિયાત કેવી રીતે ઓળખવી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટીમ વર્ક, પ્રેઝન્ટેશન સ્કિલ્સ તેમજ ફંડિંગ અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. સાથે-સાથે માર્ગદર્શક શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ તરફ દોરી જવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા અને નિષ્ણાતો સાથે ચર્ચા કરી, જેમાંથી તેમને નવા દૃષ્ટિકોણ અને આત્મવિશ્વાસ મળ્યો હોવાનું જણાવ્યું હતું. આવા વર્કશોપથી વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ ભવિષ્યમાં ઉદ્યોગસાહસિક તરીકે પણ આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ આયોજનથી યુવા પ્રતિભાઓને યોગ્ય દિશા અને પ્રેરણા મળતી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR