
ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.) : ‘વીર બાળ દિવસ’ની ઉજવણી નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વેરાવળના ગુરુદ્વારા ખાતે દેશ, ધર્મ અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર ગુરુ ગોવિંદસિંહજી મહારાજના ચાર સાહેબઝાદાના જીવન-કવન અંગે પ્રદર્શની યોજાઈ હતી.
આ પ્રદર્શનીમાં સાહેબઝાદાઓના શૌર્ય, ત્યાગ અને અવિસ્મરણીય બલિદાનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સત્ય, ન્યાય અને ધર્મ માટે નિર્ભય બનવાનો સંદેશો રજૂ કરતી આ પ્રદર્શનીની મુલાકાત લઈને સ્કૂલના બાળકોમાં વીરતા, ત્યાગ અને દેશપ્રેમની ભાવના વિકસે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ પ્રદર્શની દ્વારા બાળકોએ શહીદીનું સ્મરણ કરતાં અદમ્ય સાહસ અને ધર્મની અડગતા, ઈતિહાસના અમરપાત્રો, રાષ્ટ્ર માટે સંકલ્પ અને ઈતિહાસમાંથી પ્રેરણા લેવા જેવી બાબતોને ગ્રહણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બરે ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ ગોવિંદ સિંહજીના ચાર પુત્રો, ખાસ કરીને નાના સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની બહાદુરી અને બલિદાનને સમર્પિત છે.
૨૬ ડિસેમ્બર ૧૭૦૫ ના રોજ સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહે ધર્મ અને સત્યની રક્ષા માટે પોતાના પ્રાણોનુ બલિદાન આપ્યું હતું. વીર બાલ દિવસ તેમની સાથે સાથે ગુરૂ ગોવિંદ સિંહજીના ચારેય પુત્રોના સાહસ, બલિદાન અને અટલ વિશ્વાસનુ સન્માન કરવાનો દિવસ છે.
આ દિવસ ભારતીય ઈતિહાસના ગૌરવપૂર્ણ અધ્યાયની યાદ અપાવે છે અને આવનારી પેઢીઓને સાહસ, સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ