
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં મોટો ફેરફાર નથી, પરંતુ વહેલી સવાર અને રાત્રે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ખાસ કરીને વહેલી પરોઢે બહાર નીકળતા લોકોને ઠંડક અનુભવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હવામાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ઉત્તર દિશાના પવનોની ગતિ વધતા આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં દિવસે ગરમી અને રાત્રે હળવી ઠંડી જોવા મળી રહી છે.ઠંડીની શરૂઆત સાથે જ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે. શહેરના જાહેર માર્ગો અને સોસાયટીઓના કોમન પ્લોટમાં મોર્નિંગ વોક, કસરત, યોગા અને પ્રાણાયામ કરતા મહિલાઓ, યુવાનો, બાળકો અને વૃદ્ધોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ