
વડોદરા,,29 ડિસેમ્બર (હિ.સ.) નવા વર્ષની ઉજવણીને લઈને એક તરફ પોલીસનું કડક ચેકિંગ ચાલી રહ્યું છે. રોજ બરોજ દારૂની બોટલો પકડવામાં આવી રહી છે ત્યારે થર્ટી ફર્સ્ટ પૂર્વે જ વડોદરા પોલીસના અલગ અલગ 17 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂ-બિયરની 50,000થી વધુ બોટલ-ટીનનો નાશ કરાયો હતો. અંદાજે રૂ. 1.71 કરોડની કિંમતના દારૂનો નાશ કરતી સમયે પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે હજારો બોટલ પર રોલર ફરી વળતા રસ્તા પર દારૂની નદી વહેતી જોવા મળી હતી.
વડોદરા શહેરના છેવાડે આવેલ કોયલી ચેકપોસ્ટની સામે ખુલ્લા પ્લોટમાં દારુ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે પ્લોટમાં દારૂની રેલમછેલ થતી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં દારુ અને બિયરની બોટલો જોવા મળી હતી. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં વડોદરા શહેરમાં અલગ-અલગ રાજ્યોમાંથી દારૂનો સપ્લાય થાય છે. જો કે, વડોદરા શહેર પોલીસ એલર્ટ હોવાથી અવારનવાર દારૂનો જથ્થો પકડાય છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 3,200થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા છે અને આ કેસોમાં સંડોવાયેલા આરોપીઓની તેટલી જ મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસોની તપાસ દરમિયાન અંદાજે 9.54 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આજે શહેરના 17 પોલીસ સ્ટેશનની હદમાં જપ્ત કરાયેલી 50,000 થી વધુ દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે 1.71 કરોડ રૂપિયાથી વધુ થાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસે વર્ષ 2025 દરમિયાન 131થી વધુ રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલભેગા કરવામાં આવ્યા છે, જ્યારે 15 આરોપીઓને શહેરના કાર્યક્ષેત્રમાંથી તડીપાર કરવામાં આવ્યા છે. જેથી કરીને આ પ્રકારની પ્રવૃતિઓ પર નિયંત્રણ રહે. પ્રોહિબિશન એક્ટની કલમ 93 હેઠળ જે આરોપીઓએ જામીન લીધા બાદ શરતોનો ભંગ કર્યો હોય તેવા 89 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી દંડ પેટે 5.50 લાખ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી છે.
ન્યૂયર સેલિબ્રેશન પહેલાં જ વડોદરાના માણેજામાં, સવારે દારૂના કટિંગ વખતે મકરપુરા પોલીસે દરોડો પાડી બંધ બોડીના કન્ટેનર સહિત ચાર વાહનો સાથે 375 પેટી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે વાહન લઈને દારૂ ભરવા આવેલા બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે ફરાર બુટલેગરની શોધખોળ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ