મહાદેવ ટ્રેડિંટ કંપની હોલસેલ દુકાનના બે ભાગીદારને ભેળસેળ કેસમાં રૂ. 6 લાખના દંડ સાથે 3-3 માસની કેદ
વલસાડ, 29 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા પાસે મહાદેવ ટ્રેડિંગ કંપનીમાં 7 વર્ષ અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડી લાલ મરચાના પાઉડરના નમૂના લીધા હતા, જે તપાસમાં અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતા ધરમપુરની કોર્ટમાં કેસ
મહાદેવ ટ્રેડિંગ કંપની


વલસાડ, 29 ડિસેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા પાસે મહાદેવ ટ્રેડિંગ કંપનીમાં 7 વર્ષ અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડી લાલ મરચાના પાઉડરના નમૂના લીધા હતા, જે તપાસમાં અનસેફ અને સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતા ધરમપુરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેની સુનાવણી પૂર્ણ થતા કંપનીના બંને ભાગીદારને કુલ રૂ. 6 લાખનો દંડ અને 3-3 માસની કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા પાસે સ્થિત મહાદેવ ટ્રેડિંગ કંપની નામની હોલસેલ દુકાનમાં તા. 20 સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના વલસાડ વર્તુળના ફૂડ સેફટી ઓફિસર સી. એન. પરમાર દ્વારા ટીમ સાથે અધિકૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માનવ વપરાશ માટે વેચાણ કરાતા સંગ્રહિત લૂઝ લાલ મરચાં પાઉડરના નમૂના લેવામાં આવ્યા હતા, જે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે અન્વયે ફૂડ એનાલિસ્ટ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ, લાલ મરચાં પાઉડરનો નમૂનો “અનસેફ (Unsafe) અને સબ-સ્ટાન્ડર્ડ (Sub-standard) જાહેર કરવામાં આવ્યો હતો. આ લાલ મરચાંના પાઉડરના નમૂનામાં નૉન-પરમિટેડ સિન્થેટિક ઓઇલ સોલ્યુબલ કલર તથા ઘઉં અને ચોખાના સ્ટાર્ચ જેવી બાહ્ય ખાદ્ય સામગ્રીની હાજરી મળી આવી હતી, જે લાલ મરચાં પાઉડરમાં કાયદા મુજબ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે અને જાહેર આરોગ્ય માટે હાનિકારક ગણાય છે.

આ કેસની તપાસ, મંજૂરી અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ ધરમપુરની નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) દ્વારા ફોજદારી કેસ નં. 270/2019 આ કેસનો ચુકાદો આપી આરોપીઓ વિરુદ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 ની કલમ 26, 27, 48 તથા દંડાત્મક અને શિક્ષાત્મક જોગવાઈઓ મુજબ કલમ 51 અને 59(1) હેઠળ ગુનો સાબિત થયો હતો. જે મુજબ આરોપીઓને અનસેફ તથા સબ-સ્ટાન્ડર્ડ ખાદ્ય પદાર્થનો સંગ્રહ અને વેચાણ કરવા બદલ દોષિત ઠરાવી કાયદા મુજબ (1) ધુખારામ પુનમારામ ચૌધરી – વિક્રેતા/ભાગીદારને 3,00,000/- (અંકે ત્રણ લાખ પૂરા) નો દંડ અને ૩ માસ ની કેદ તથા (2) પિરારામ હરદાનારામ ચૌધરી – ભાગીદાર ને 3,00,000/- (અંકે ત્રણ લાખ પૂરા) નો દંડ અને ૩ માસ ની કેદ એમ કુલ 6,00,000/- (અંકે છ લાખ પૂરા) નો દંડ અને પ્રત્યેક આરોપીને ત્રણ માસની કેદ ફટકારી દંડિત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande