
જામનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના એક કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ ૨૦૨૩માં રાખવામાં આવેલા કામમાં જે કંપનીને એમઓયુથી તે કામ મળ્યું હતું. તે કામ માટેનું રો-મટીરીયલ મંગાવવા માટે રૂ.૧ કરોડ ૧૪ લાખ ચૂકવી આપવામાં આવ્યા હતા. તેમાંથી રૂ.૪૦ લાખનો સામાન આવ્યો હતો અને બાકીના રૂ.૭૩ લાખ જામનગરની પેઢીએ લેવાના બાકી હતા તેની ઉઘરાણી કરવા છતાં બાકી રકમ ચૂકવવામાં ન આવતા આખરે ઉત્તરપ્રદેશની આ પેઢીના ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામે છેતરપિંડી કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં વસવાટ કરતા અને ત્યાં જ આવેલી બરડાઈ બ્રહ્મસમાજની વાડી પાસે શાંતિ રેસિડેન્સી-ર-માં વસવાટ કરતા વિજય કન્સ્ટ્રક્શન નામની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના આસામીએ વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં એક કામ રાખ્યું હતું.
આ કામનું ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં આવેલી સકસેના મરીન ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને એમઓયુ દ્વારા ફાળવવામાં આવ્યું હતું. તે કામ રાજુભાઈએ રાખ્યા પછી તે કામમાં ઉપયોગમાં લેવાના ફેબ્રિકેશન મટીરીયલ માટે તેઓએ રૂપિયા ૧ કરોડ ૧૪ લાખ આરટીજીએસના માધ્યમથી વિજય કન્સ્ટ્રકશન કંપનીમાંથી સકસેના મરીન ટેક પ્રાઇવેટ લિમિટેડને મોકલાવી આપ્યા હતા અને તેની સામે કોન્ટ્રાક્ટમાં વાપરવામાં આવતું ફેબ્રિકેશન મટીરીયલ સપ્લાય કરવામાં આવ્યું હતું.
વિજય કન્સ્ટ્રક્શન દ્વારા મોકલાવવામાં આવેલા રૂપિયા ૧ કરોડ ૧૪ લાખમાંથી તેઓને રૂપિયા ૪૦૪૨૦૯૦નું ફેબ્રિકેશન મટીરીયલ મોકલવામાં આવ્યું હતું. બાકીનું મટીરીયલ મોકલવામાં આવ્યું ન હતું અને તેના કારણે રૂપિયા ૭૩ લાખ ૫૭,૯૧૦ લેવાના બાકી હતા. તે રકમ ગ્રેટર નોઈડાની સક્સેના મરીન ટેક પ્રાઇવેટ લિમિટેડને કહેવા છતાં તે રકમ મોકલાવવામાં આવતી ન હોવાથી આખરે રાજુભાઈએ, સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પેઢીના ડિરેક્ટર એચ.એલ. સક્સેના તથા તે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અતુલ શ્રીવાસ્તવ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt