
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુરની સનનગર સોસાયટીમાં સનનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા જુલાઈથી ડિસેમ્બર માસ દરમિયાન જન્મદિવસ આવતાં સભ્યોની સામૂહિક ઉજવણી આજ રોજ યોજાઈ હતી. આ કાર્યક્રમ સોસાયટીના કોમન પ્લોટમાં સવારે 10:30 વાગ્યે યોજાયો હતો.
આ ઉજવણીમાં કુલ 60 સભ્યોના જન્મદિવસ મનાવવામાં આવ્યા હતા, જેમાં 42 પુરુષો અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ જન્મદિવસ ધરાવતા સભ્યોને મંડળ તરફથી પુષ્પગુચ્છ તથા વ્યક્તિગત મુસાફરી બેગ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ રાવળે કર્યું હતું અને જીતુ રાવળે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ આયોજનમાં મંડળના કુલ 170 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના હોદ્દેદારોએ જરૂરી વ્યવસ્થાઓ સંભાળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ