
ગાંધીનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે GIFT સિટીમાં લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી- GBU સ્થાપીને ઉચ્ચ શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનું કામ શરૂ કર્યું હતું. જેને NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં રજૂ કરાયેલા વિઝનને સાકાર કરે છે. NITI આયોગ દ્વારા ગુજરાત સરકારની આ અનોખી પહેલની તેમના અહેવાલમાં પ્રશંસા કરવામાં આવી છે.
સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડીનબરા (UoE) સાથે ભાગીદારીમાં શરૂ કરાયેલી દૂરદૃષ્ટિપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં વિશ્વની પ્રથમ બાયોટેક્નોલોજી યુનિવર્સિટી સ્થાપના કરી છે.
GIFT સિટીમાં અંદાજે 23 એકરના અત્યાધુનિક કેમ્પસમાં 80 કરોડથી વધુના અદ્યતન સંશોધન ઉપકરણો અને અંદાજે 200 કરોડના ખર્ચે ઉભું થઇ રહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ NITI આયોગના GIFT સિટીને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને વિદેશી શાખા કેમ્પસનું કેન્દ્ર બનાવવાના આહ્વાનને પરિપૂર્ણ કરી રહ્યું છે.
NEP 2020 અને વિકસિત ભારત@2047 પર આધારિત NITI આયોગના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં ઉચ્ચ શિક્ષા માટે આવતા દર એક વિદેશી વિદ્યાર્થિની સામે 28 વિદ્યાર્થીઓ ભારતની બહાર શિક્ષા લેવા જાય છે અને જેને પરિણામે ભારતની GDPના લગભગ 2 ટકા જેટલી રકમ વિદેશમાં જતી રહે છે. ગુજરાતે વર્ષ 2020માં નિર્ણાયક પગલું ભરીને GBU દ્વારા ભારતમાં જ વિદ્યાર્થીઓને અંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહે એ માટે GBU ની રચના કરીને પ્રથમ પગલું ભર્યું હતું. GBUમાં એડીનબરા યુનિવર્સિટીના સહયોગથી પ્લાન્ટ બાયોટેકનોલોજી, એનિમલ બાયોટેકનોલોજી, મેડિકલ બાયોટેકનોલોજી, ઇન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી અને એન્વાયર્નમેન્ટલ બાયોટેક્નોલોજીમાં માસ્ટર્સની ડીગ્રી માટેના અભ્યાસક્રમો અમલી છે. જેમાં સિનોપ્ટિક પરીક્ષાઓ, ચેલેન્જ-આધારિત પ્રેક્ટીકલ, નવ મહિનાના રીસર્ચ-ડિસર્ટેશન અને દર વર્ષે 25 ટોચના વિદ્યાર્થીઓ માટે ઇડિનબર્ગમાં 12-14 અઠવાડિયાની રીસર્ચ ઇન્ટરન્શીપ જેવી નવીન તાલીમનો સમાવેશ થાય છે.
ભારતની સૌથી કઠિન ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ-બાયોટેક્નોલોજી (GAT-B) દ્વારા મેરિટ આધારિત પ્રવેશ પ્રક્રિયા દ્વારા GBU રાષ્ટ્રીય પ્રતિભાને ગુજરાતમાં આમંત્રે છે. વર્ષ 2025માં યુનિવર્સિટી 100 બેઠકો ઉપર ભારતના 17 રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે,જે NITI આયોગના ગુણવત્તા અને સુલભતા દ્વારા ટોચના વિદ્યાર્થીઓને ભારતમાં જ અભ્યાસ કરવા માટે આકર્ષવાના આહ્વાનને સાકાર કરે છે. UoEના વરિષ્ઠ ફેકલ્ટી વાર્ષિક 90 થી પણ વધારે દિવસ GBUમાં લીડરશીપ, ક્વોલીટી અને સ્ટ્રેટેજી માટે માર્ગદર્શન માટે સમર્પિત રહે છે, જેમાં દર સેમેસ્ટરમાં 12 વિઝીટીંગ ફેકલ્ટી જે સિન્થેટિક બાયોલોજી, વેક્સીન ડિઝાઇન, પ્રોટીન એન્જિનિયરિંગ અને માઇક્રોબાયલ ઇકો-ફિઝિયોલોજી જેવા અદ્યતન ઇલેક્ટિવ્સ શીખવવા માટે આવે છે. જેને પરિણામે GBUની 37 જેટલી વિદ્યાર્થી ટીમોએ SSIPની 2 કરોડ ઉપરાંતની સ્ટાર્ટ-અપ અને અન્ત્રપ્રોન્યોર્શીપની ગ્રાન્ટ અને ફંડિંગ મેળવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં અને એડીનબરા યુનિવર્સિટીના સતત માર્ગદર્શન હેઠળ GBUએ 40 કરોડના 70 થી વધુ એક્સ્ટ્રામ્યુરલ રીસર્ચ ગ્રાન્ટ્સ મેળવ્યા છે અને આ રીસર્ચ પ્રોજેક્ટ્સમાં 50 થી વધુ સંશોધકોને રોજગાર આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં કેન્દ્રીય અને રાજ્યની ફેલોશિપ દ્વારા 40થી વધુ Ph.D સ્કોલરને એડમીશન આપવામાં આવ્યું છે, જેમાંથી 20 સીટ ઉપર તો ગુજરાત સરકાર દ્વારા રૂ. 20000 માસિક ફેલોશિપ પણ આપવામાં આવે છે.
GBUના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને એકેડેમિક વિભાગના વડા વિમલ શાહે જણાવ્યું કે, વર્ષ 2025માં યુનિવર્સિટીના કેટલાક સીમા ચિહ્નરૂપી પરિણામો તેની વૈશ્વિક સ્થિતિને દર્શાવે છે. યુનિવર્સિટીના પ્રો. નિશા સિંહે અલ્ઝાઇમર માટે નેનોપાર્ટિકલ થેરપીના કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સહ-નેતૃત્વ કર્યું અને પ્રીક્લિનિકલ મોડેલ્સમાં મગજના કોષોના બચાવને 40-50 ટકાથી 90 ટકા સુધી વધાર્યું છે. જે વિશેનો લેખ વાઈલીની Small જર્નલમાં પ્રકાશિત થયો છે. યુનિવર્સિટીના ડૉ.રોહિણી નાયરની ટીમને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મ અને સ્વાસ્થ્ય નિદાન માટે ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી ₹1.3 કરોડની રાશિ મળી છે.
ગત નવેમ્બરના દ્વિતીય કન્વોકેશનમાં યુનિવર્સિટીની દ્વિતીય બેચના 94 M.Sc. ગ્રેજ્યુએટ્સ અને પાંચ ગોલ્ડ મેડાલિસ્ટ્સને પદવી એનાયત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ પ્રો.સુબીર એસ.મજુમદારને LASAICON-2025માં લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે જે યુનિવર્સિટી સક્ષમ નેતૃત્વનો પુરાવો છે. વધુમાં GBUએ ANRFના પ્રથમ કોલમાં પાંચ ગ્રાન્ટ્સ જીતીને દુર્લભ રાષ્ટ્રીય ગૌરવ હાંસલ કર્યું છે. આ ઉપરાંત ત્રણ ARG અને બે DBT મેળવીને વિજ્ઞાન ફંડિંગ આકર્ષવાની અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવી છે. છેલ્લા 2-3 મહિનામાં જ યુનિવર્સિટીમાં 8-10 કરોડનું રીસર્ચ ફંડિંગ આવ્યું છે જે ગુજરાતની યુનિવર્સિટી માટે એક ગૌરવશાળી ક્ષણ છે.
વધુમાં એડીનબરા યુનિવર્સિટીના 440 વર્ષના વારસાને GIFT સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડીને, ગુજરાત સરકારે GBUના માધ્યમથી ભારતના બુદ્ધિધનને વિદેશ જતા અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો છે અને NITI આયોગના વિઝનનું પુનરાવર્તનીય મોડેલ બતાવીને ગુજરાતને ઉચ્ચ શિક્ષણમાં ભારતના અંતરરાષ્ટ્રીયકરણના અગ્રણી તરીકે સ્થાપિત કર્યું છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, GBU બાયોટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને વિકસિત ભારતનું હબ બનાવવાનું ભગરીથ કાર્ય કરી રહી છે તેમ શાહે ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ