

- 2000 વિદ્યાર્થીઓ માટે 80 લાખની તાત્કાલિક સહાયની જાહેરાત
ગાંધીનગર,29 ડિસેમ્બર (હિ.સ.) MYCPE ONE ની બિન-લાભકારી સંસ્થા, સોશિયલ આય ફાઉન્ડેશને આજે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીના હસ્તે શૈક્ષણિક પહેલ ‘આધાર શિક્ષા’ પ્લેટફોર્મનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે 71 શાળાઓના આચાર્યો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશને 80 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી, જે હેઠળ 2000 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાની ફી પેટે માથાદીઠ ₹4000 ની સહાય આપવામાં આવશે.ઘણી કોર્પોરેટ કંપનીઓ પારદર્શિતા અને યોગ્ય માધ્યમના અભાવે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતી નથી. ‘આધાર શિક્ષા’ પ્લેટફોર્મ ટેકનોલોજીના માધ્યમથી આ અંતર દૂર કરે છે.
- સીધો લાભ: આર્થિક સહાય કોઈ પણ મધ્યસ્થી વિના સીધી વિદ્યાર્થીઓને મળે છે.
- પારદર્શિતા: CSR ફંડનો ઉપયોગ સંપૂર્ણ પારદર્શિતા સાથે સીધો લાભાર્થી સુધી પહોંચે છે.
- વિસ્તરણ લક્ષ્ય: હાલમાં 6000 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જૂન 2026 સુધીમાં 50000 અને આગામી ૫ વર્ષમાં ૫ લાખ વિદ્યાર્થીઓ તેમજ 5000 શાળાઓ સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
સોશિયલ આય ફાઉન્ડેશનના ચીફ ઈમ્પેક્ટ ઓફિસર શાલીન પરીખે જણાવ્યું કે, અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે આર્થિક તંગીને કારણે કોઈ બાળકને શાળા છોડવી ન પડે. સખત ચકાસણી અને સીધી શાળાને ફી ચૂકવણી દ્વારા અમે દાતાઓનો વિશ્વાસ મજબૂત કર્યો છે.
ફાઉન્ડેશને આગામી વર્ષો માટે વ્યૂહાત્મક લક્ષ્યો રજૂ કર્યા છે:
- દેશભરમાં 5000 શાળાઓનું નેટવર્ક ઊભું કરવું.
- 5 લાખ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાતત્ય જાળવવા સહાય કરવી.
- 500 + કોર્પોરેટ્સ સાથે મળીને વાર્ષિક 200 કરોડનું CSR ફંડ એકત્ર કરવું.
DEO રોહિત ચૌધરીએ આ પહેલને બિરદાવતા જણાવ્યું કે, ‘આધાર સ્કૂલ ટેક’ જેવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સીધી ફી સહાયનું આ મોડેલ અત્યંત વ્યવહારુ અને પારદર્શક છે.
'આધાર સ્કૂલ ટેક’ (AI Software): શાળાઓ માટે નિઃશુલ્ક ડિજિટલ સુવિધા ફાઉન્ડેશને ભાગીદાર શાળાઓના વહીવટને ડિજિટાઈઝ કરવા માટે ‘આધાર સ્કૂલ ટેક’ સોફ્ટવેર લોન્ચ કર્યું છે. જે સોફ્ટવેરની બજાર કિંમત 10 થી 50 લાખ હોય છે, તે ફાઉન્ડેશન પોતાની ભાગીદાર શાળાઓને નિઃશુલ્ક પૂરું પાડી રહ્યું છે.
- વિદ્યાર્થીઓની હાજરી, ટાઈમ ટેબલ અને ફી મેનેજમેન્ટનું ડિજિટાઈઝેશન.
- વાલીઓ માટે મોબાઈલ એપ અને નોટિફિકેશન સુવિધા.
- નાની શાળાઓને પણ મોટી ખાનગી શાળાઓ જેવું આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર.
ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય ‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત 10000 શાળાઓને આ ટેકનોલોજીથી સજ્જ કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ