
રાજકોટ, 29 ડિસેમ્બર (હિ.સ.) રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડ આવતા હોય છે.રાજકોટ માર્કેટ યાર્ડ આજે ફરી એક વખત ખેડૂતોની ચહલપહલથી ગુંજી ઉઠ્યું હતું. કપાસ, મગફળી, ઘઉં, ચણા સહિતની મુખ્ય જણસી સાથે શાકભાજીમાં ટામેટા અને બટાકાની મોટી આવક નોંધાઈ છે. ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જણસીમાં સૌથી વધારે આવક કપાસ, ઘઉં, ચણા, કાળા તલ, ડુંગળી અને મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટામેટા અને બટાકાના પાક થઈ છે.રાજકોટ માર્કેટયાર્ડમાં અંદાજે 1,450થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં મગફળીની આવક 2 લાખ 10 હજાર ક્વિન્ટલ, કપાસની આવક 16 હજાર ક્વિન્ટલ, સોયાબીનની 6 હજાર 500 ક્વિન્ટલ, ઘઉં 8,000 ક્વિન્ટલ, લસણની 3,400 ક્વિન્ટલ, સિંગફાડા 10 હજાર 300 ક્વિન્ટલ, મગ 300 ક્વિન્ટલ, જીરુંની 6,500 ક્વિન્ટલ અને કાળા તલની આવક 1,300 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ આજે ઉપરોક્ત જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભાવની વાત કરવામાં આવે તો જાડી મગફળીનો ભાવ 1,050થી 1,440 રૂપિયા, ઝીણી મગફળીનો ભાવ 1,010થી 1,410 રૂપિયા, કપાસનો 1,300થી 1,585 રૂપિયા, સોયાબીનનો ભાવ 830થી 936 રૂપિયા, ઘઉંનો ભાવ 501થી 556 રૂપિયા, ચણાનો ભાવ 880થી 1,055 રૂપિયા, લસણનો ભાવ 1,375થી 2,140 રૂપિયા, સિંગફાડાનો ભાવ 936થી 1,535 રૂપિયા, મગનો ભાવ 1,000થી 1,900 રૂપિયા, જીરુંનો ભાવ 3,775થી 4,151 રૂપિયા અને કાળા તલનો ભાવ 3,490થી 5,100 રૂપિયા એક મણનો બોલાયો હતો.
યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2,400 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીનો ભાવ ખેડૂતોને 77થી 311 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક 3,400 ક્વિન્ટલ થઈ હતી. બટાકાનો ભાવ ખેડૂતોને 127થી 492 રૂપિયા મળ્યાં હતા. જ્યારે ટામેટાની આવક 1,089 ક્વિન્ટલ થઈ હતી. ટામેટાના ભાવ 710થી 996 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યાં હતાં. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ