નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 150થી વધુ આદિવાસી લોકોની ઘર વાપસી
રાજપીપલા, 29 ડિસેમ્બર (હિ.સ. ) : દેશભરમાં ધર્માંતરણ એક મોટી સમસ્યા છે. આદિવાસી સમાજને જુદા જુદા પ્રલોભનો આપીને ધર્માંતરણ થતું રહે છે. ડાંગ વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી સમાજનું ધર્માંતરણ કરવાની પ્રક્રિયા વધી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય
નર્મદામાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર 150થી વધુ આદિવાસી લોકોની ઘર વાપસી


રાજપીપલા, 29 ડિસેમ્બર (હિ.સ. ) : દેશભરમાં ધર્માંતરણ એક મોટી સમસ્યા છે. આદિવાસી સમાજને જુદા જુદા પ્રલોભનો આપીને ધર્માંતરણ થતું રહે છે. ડાંગ વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી સમાજનું ધર્માંતરણ કરવાની પ્રક્રિયા વધી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચના કાર્યક્રમમાં 150થી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી છે, આ મામલે રાજકીય ચર્ચા તેજ બની છે.

નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા (ચિકદા) તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ધર્માંતરણના વિવાદ વચ્ચે રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 150થી વધુ આદિવાસી ભાઈ-બહેનોએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી સનાતન હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી છે.

આ મામલે જે લોકો ખ્રિસ્તી બન્યા હતા, તેમને જ્યારે અનુભવ થયો કે તેઓ છેતરાઈ રહ્યા છે, ત્યારે તેમણે મૂળ ધર્મમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ, ધર્મ જાગરણ સંસ્થા, ધર્મ પ્રસાર વિભાગ અને સ્થાનિક સાધુ-સંતોના સંયુક્ત પ્રયાસોથી આ ઘર વાપસી કરવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તમામ લોકોનું શુદ્ધિકરણ કરી તેમને ફરી હિન્દુ ધર્મમાં આવકારવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, આ આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન રોકવા માટે હવે સ્થાનિક સાધુ-સંતો પણ મેદાને આવ્યા છે. રાષ્ટ્રીય આદિવાસી મંચનું કહેવું છે કે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને બચાવવા માટે આવા ઘર વાપસીના પ્રયાસો સતત ચાલુ રહેશે. ષડયંત્ર હેઠળ આદિવાસીઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે તેવો દાવો સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચના અગ્રણી સોનજી વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારના ભોળા આદિવાસીઓને ખ્રિસ્તી પાદરીઓ અને પાસ્ટરો દ્વારા વિવિધ પ્રલોભનો આપી, પટાવી-ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઘણા લોકો અજાણતા આ ચુંગલમાં ફસાઈ ગયા હતા, પરંતુ હવે તેમને પોતાની ભૂલ સમજાઈ છે.

સોનજી વસાવાએ જણાવ્યું અનુસાર, નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા (ચિકદા) જેવા વિસ્તારોમાં આ ઘટનાઓ સામે આવી રહી છે. આ વિસ્તારોમાં વસતા ખાસ કરીને આદિવાસી લોકોને આ ખ્રિસ્તી પાદરીઓ ટાર્ગેટ કરે છે અને બાદમાં તેમને ફોસલાવીને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવે છે. જેથી ખાસ આ વિસ્તારોમાં પાદરીઓની ધર્માંતરણનું જોર વધ્યું છે. ત્યારે હાલ આ 150 જેટલા લોકોની સામૂહિક ઘર વાપસીને પગલે ધર્માંતરણના મુદ્દે ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande