
- ભણેલા-ગણેલા છોકરાઓ નોકરી વિહોણા : ધારાસભ્ય કાંતિ ખરાડી
પાલનપુર/અમદાવાદ,29 ડિસેમ્બર (હિ.સ.) બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. આદિવાસી સમાજના આગેવાને જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી સરકારમાં રજૂઆત કરીએ છીએ પરંતું અમારી સમસ્યાનું કોઇ નિવારણ નથી આવ્યું, જેને લઇને અમારા છોકરા-છોકરીઓ નોકરી વિહોણા છે. સરકારને અમે આદિવાસી ન લાગતા હોય તો અમારો ડીએનએ ટેસ્ટ કરાવો.
જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે. જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે.
ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા થતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે.
આદિવાસી સમાજના આગેવાન ઈશ્વરભાઈ ડામોરે કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ સરકારે આજ દિન સુધી કોઈ સુખદ નિરાકરણ લાવ્યું નથી. ત્રણ વર્ષથી મહેનત કરીને પરીક્ષા પાસ કરનાર યુવાનોની સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ