
જામનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) :
જામનગર મહાનગરપાલીકા ખરેખર વિકાસ કાર્યો કરવાને બદલે
દાવા કરવામાં ખૂબજ પાવરધી છે. જેના કિસ્સા અગાઉ પણ નોંધાયા છે અને હાલમાં
પણ જોવા મળી રહ્યા છે. મનપાના આ દાવાથી શહેરીજનો પણ હવે રીતસર કંટાળી ગયા
છે. જેનો એક વધુ કિસ્સો જોવા મળ્યો છે.
શહેરના ટ્રાફીકથી ધમધમતા
ઓશળાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગ પર એક તો અણધડ અને મનસ્વી રીતે
મૂકાયેલા ૧૦ ગેપથી રોજ ચકકાજામ થાય છે. આટલું જ નહીં ફલાય ઓવર બનતા આ
માર્ગ પર ટ્રાફીક ઘટવાને બદલે વધતા મુશ્કેલી બેવડાતા વાહનચાલકો ત્રાહીમામ
પોકારી ગયા છે. આ કપરી સ્થિતિમાં ખોડીયાર માતાજીના મંદીર પાસે માર્ગની એક
બાજુ કામગીરી અર્થે મનપા દ્રારા મસમોટો ખાડો કરવામાં આવ્યો છે.
પરંતુ
કોઇ કારણોસર આ કામ પુરૂ થતું નથી. સતત ટ્રાફીકથી વ્યસ્ત માર્ગ પરનો આ ખાડો
જીવલેણ અકસ્માતને આમંત્રણ આપતો બન્યો છે. ત્યારે આ ખાડામાં રાહદારી કે
વાહનચાલક પડતા કોઇ ગંભીર અકસ્માત થયા પછી મહાનગરપાલીકાનું તંત્ર જાગશે તે
સવાલ શહેરીજનો પૂછી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt