

પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.)પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આયોજિત થયો હતો.
કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું કે સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે. રાસાયણિક ખેતીથી ઊભી થયેલી આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં લેતા પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખૂબ જ જરૂરી બની છે.
તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીથી સમકક્ષ ઉત્પાદન મેળવી શકાય છે તેમજ લોકોને શુદ્ધ અન્ન અને શાકભાજી મળી શકે છે. ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો સતત યોજવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. જમીનની ઉર્વરતા જાળવવી, ખેતી ખર્ચ ઘટાડવો અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ શેર કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા આપી.
આ પ્રસંગે લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રો આપવામાં આવ્યા. અધિકારીઓએ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, કૃષિ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ