
રાજપીપલા,30 ડિસેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા હેતુસર ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની બે દિવસીય તાલીમનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં આંબાવાડી અને કુંડીયાઆંબા ગ્રામ પંચાયત હેઠળના કુંડીયાઆંબા, આંબાવાડી તથા મોસિટ ગામના ખેડૂતો જોડાયા હતા. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, કુદરતી જીવાત નિયંત્રણ, માટી આરોગ્ય સંરક્ષણ તેમજ ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમનું સંચાલન C.R.P. વસાવા રવિન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કૃષિ સખી તરીકે વસાવા કિલાબેનએ સહકાર આપ્યો હતો. તાલીમ દરમિયાન ખેડૂતો સાથે ચર્ચા-સંવાદ કરીને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ