
સુરત, 30 ડિસેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો-2025માં રોજ બારડોલીના ખેડૂત તાલીમ કેન્દ્ર તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટના સંયુકત ઉપક્રમે સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) કે.વી. પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પાક પરિસંવાદ યોજાયો હતો. જેમાં સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક કૃષિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
મેળામાં કુલ 380 સ્ટોલ પૈકી 25થી 30 સ્ટોલમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું, જેને ખેડૂતો અને મુલાકાતીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
પરિસંવાદમાં નાયબ ખેતી નિયામક (તાલીમ) એન.જી. ગામીતે પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા અને તેના દીર્ઘકાલીન લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. જે.એચ. રાઠોડ અને પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેની વિશેષતાઓ, પરિણામો અને ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
પરિસંવાદ દરમિયાન વિકાસભાઈ ગામીત, મુકેશભાઈ પટેલ, કિશોરચંદ્ર પટેલ અને મનહરભાઈ લાડ જેવા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની સફળ પ્રાકૃતિક ખેતીની અનુભૂતિઓ રજૂ કરી, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની હતી.
આ પ્રસંગે સંયુક્ત બાગાયત નિયામક ડી.કે. પડાલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી. ગામીત, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડો. પ્રદીપભાઈ ગરાસીયા, નાયબ ખેતી નિયામક (તાલીમ) ડો. એસ.કે. ઢીમ્મર, નિવૃત્ત સંયુક્ત ખેતી નિયામક ડી.ઝેડ. પટેલ, વઘઈ કૃષિ કોલેજ આચાર્ય ડો.અજયભાઈ પટેલ, સી.જી. પટેલ અને તૃષારભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે