લવ મેરેજ વિવાદને લઈ સુરતમાં ગાયિકા સામે ઉગ્ર વિરોધ, છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ
સુરત,30 ડિસેમ્બર (હિ.સ.) સુરતની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને ઊભો થયેલો વિવાદ હવે તેમના વ્યાવસાયિક કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી મોટી વેડ ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગમાં પાટીદાર યુવાનોના ઉગ્ર
सूरत की गायिका आरती सांगाणी


સુરત,30 ડિસેમ્બર (હિ.સ.) સુરતની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને ઊભો થયેલો વિવાદ હવે તેમના વ્યાવસાયિક કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી મોટી વેડ ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગમાં પાટીદાર યુવાનોના ઉગ્ર વિરોધની શક્યતા વચ્ચે આયોજકોએ અંતિમ ક્ષણે આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતી મુજબ, મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર સમાજના અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, તેમના લવ મેરેજને લઈને છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજમાં, ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો હતો.

આ વિવાદની અસર ગ્રાઉન્ડ લેવલ પર પણ સ્પષ્ટ જોવા મળી હતી. આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલાં જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકત્ર થઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ બગડે અને સમાજની લાગણી દુભાય તેવી શક્યતા જોતા યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લઈ કાર્યક્રમ રદ કરી દીધો હતો. પરિવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારનો વિવાદ ઇચ્છતા નથી અને સમાજના હિતમાં હંમેશા સમાજની સાથે ઊભા રહેશે.

કાર્યક્રમના આયોજક ધર્મેશભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “અમારો 29 તારીખે ડાયરાનો કાર્યક્રમ નક્કી હતો, જેમાં આરતીબેન અને હિતેશ અંટાળા આવવાના હતા. પરંતુ લોકલાગણીને માન આપીને અમે આરતીબેનનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ અમારો વ્યક્તિગત પ્રસંગ છે, પરંતુ અમે સમાજની સાથે રહેવા માંગીએ છીએ.”આરતી સાંગાણીના સ્થાને હવે જાણીતા ગાયક ગોપી પટેલને કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવ્યા છે.

આ મામલે પાટીદાર યુવાન મહેશ વાઘાણીએ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,“સમાજની એક દીકરી દ્વારા આ રીતે લવ મેરેજ કરવું નિંદનીય છે. કદાચ કોઈએ તેને ભ્રમિત કરી હશે. સમાજની અન્ય દીકરીઓ સાથે આવું ન બને તે માટે વિરોધ જરૂરી છે. સુરાણી પરિવારે થોડા કલાકોમાં જ કાર્યક્રમ રદ કરી સમાજની સાથે ઉભા રહેવાનો સંદેશ આપ્યો છે, તે પ્રશંસનીય છે.”

ફિલહાલ આ મામલો સુરત શહેર અને પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે કાર્યક્રમ રદ થયા બાદ વિસ્તારમાં હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande