
સુરત, 30 ડિસેમ્બર (હિ.સ.)- ‘શિક્ષણ અને સંકલ્પબળ જ્યારે મળે છે, ત્યારે સ્ત્રી શક્તિ અજેય બને છે.’ આ વાક્યને સુરતના વરાછા વિસ્તારમાં કાર્યરત ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની બહેનોએ સાર્થક કરી બતાવ્યું છે. અડાજણના જ્યોતિન્દ્રદવે ગાર્ડન પાસે એસએમસી પાર્ટી પ્લોટમાં રાજય સરકારના ‘ગરવી ગુર્જરી’ દ્વારા હાથ સાળ અને હસ્તકલાના મેળામાં આ જૂથની બહેનો દ્વારા તૈયાર કરાયેલા નીમ (લીમડા)ના લાકડાના રમકડાં અને હેન્ડીક્રાફ્ટ ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કળાને કૌશલ્યમાં ફેરવી સુરતની સ્વસહાય જૂથ થકી રોજગારીની નવી તકો મેળવતી સુરતની નિલમબહેને વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.
આ સફળતાની વાર્તામાં કૌટુંબિક સહયોગનું આગવું દ્રષ્ટાંત જોવા મળે છે. સુવાસિની સ્વસહાય જૂથના નિલમબેન ભાલાળા જણાવે છે કે, લગ્ન બાદ સાસરે આવ્યા પછી માત્ર ઘરકામમાં સીમિત રહેવાને બદલે કંઈક નવું કરવાની ઈચ્છા હતી. આ સમયે તેમના સાસુએ તેમને ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી આર્થિક રીતે સક્ષમ બનવા પ્રોત્સાહન આપ્યું. આજે સાસુ-વહુની આ જોડી અને અન્ય બહેનો મળીને ઘરબેઠાં ઈકો-ફ્રેન્ડલી સ્વદેશી ઉત્પાદનો બનાવી સ્વરોજગારી મેળવી રહી છે. ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપતા રાજ્ય સરકાર પ્રેરિત ગરવી ગુર્જરી મેળો મારા જેવી અનેક મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હોવાનું તેઓ જણાવે છે. વધુમાં તેઓ કહે છે કે, રાજ્ય સરકારની મદદથી અમે બહેનો લઘુઉદ્યોગ સાહસિક બન્યા છીએ.
તેમણે કહ્યું કે, અમે ઘરબેઠાં ઈકોફ્રેન્ડલી ઉત્પાદનો બનાવીએ છીએ. જેમાં સિસમ, સાગ, લીમડાના લાકડાના રમકડાઓ, બામ્બુના ટુથબ્રશ, ટંગ ક્લિનર, જૂટ અને બાંધણી, ભગવાનના વાઘા, લાકડાના કસ્ટમાઈઝ ગિફ્ટ બોક્ષ, ગૃહસુશોભનના ઉત્પાદનો તેમજ હેન્ડમેડ જ્વેલરી પણ બનાવીએ છીએ. આ સાથે સિઝનલ વ્યવસાય કરીને સારી એવી આવક મળી રહી છે. તેઓ કહે છે કે, અમો લીમડાના લાકડામાંથી રમકડતા બનાવીએ છીએ જેથી કોઈ પણ બાળક મોઢામાં મુકે તો પણ કોઈ નુકશાન નહી થાય. સરકાર દ્વારા થતા ગરવી ગુર્જરી મેળા, સખી મેળા તેમજ SHG મેળાઓના માધ્યમથી અમારા ઉત્પાદનોને ઘર આંગણે મોટું માર્કેટ અને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન મળ્યું છે.
આ જૂથને રાજ્ય સરકારના વિવિધ અભિયાનો જેવા કે ‘વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ’ અને ‘સ્કીલ ઇન્ડિયા’નો સીધો લાભ મળ્યો છે. નિલમબેન વધુમાં કહે છે કે, ગરવી ગુર્જરી અને સખી મેળા જેવા પ્લેટફોર્મે અમને સીધું બજાર પૂરું પાડ્યું છે. હવે અમે અન્ય પર નિર્ભર નથી, પણ પોતે સક્ષમ અને સશક્ત છીએ.
સુવાસિની સ્વસહાય જૂથની આ બહેનોએ સાબિત કર્યું છે કે જો સ્ત્રી ધારે તો શિક્ષણ અને યોગ્ય તક દ્વારા આર્થિક પરિવર્તન લાવી શકે છે. વરાછાની આ બહેનોની વ્યાવસાયિક યોગ્યતા આજે અનેક અન્ય મહિલાઓ માટે પણ રોજગારીનું સર્જન કરી રહી છે, જે આત્મનિર્ભર ભારતનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે