ગુજરાતમાં 31 ડિસેમ્બર-1 જાન્યુઆરીએ વરસાદની આગાહી,2જી જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી પૂર્વે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
ગુજરાતમાં 31 ડિસેમ્બર-1 જાન્યુઆરીએ વરસાદની આગાહી,2જી જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ


અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી પૂર્વે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 31ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે, જેને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે નલિયા 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે. નવા વર્ષની ઉજવણી પૂર્વે જ વરસાદી માહોલ સર્જાવાનાં એંધાણ અને વાતાવરણમાં પલટો આવવાની અને લોકોમાં બીમારીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વર્તાઈ રહી છે.

વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે.

ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. 30 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને આકાશ વાદળછાયું રહેશે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટાં પડી શકે છે.

કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાં પડી શકે છે.

વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande