
સુરત, 30 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરમાં આમ આદમી પાર્ટી ના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોષી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ સસ્તા અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનાર શ્રવણ જોષી પાર્ટીનો ખેસ પહેરી દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપતો અને વીડિયો બનાવી ‘સેટલમેન્ટ’ના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે.
આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો લાઈવ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે હપ્તાખોરીનું નેટવર્ક બહાર આવ્યું. ઉપરાંત, એક અન્ય વીડિયોમાં સંપત ચૌધરીએ કબૂલાત કરી છે કે તે શ્રવણ જોષીના કહેવા પર જ દર દુકાન દીઠ 25-25 હજાર રૂપિયાનો હપ્તો લેવા જતો હતો. આ પુરાવાના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દર મહિને 25 હજારનો હપ્તો નક્કી
આરોપ છે કે શ્રવણ જોષી અને સંપત ચૌધરી વિસ્તારમાંની સસ્તી અનાજની દુકાનોને ધમકાવી દર મહિને હપ્તાની માંગણી કરતા હતા. વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગેહાથ પકડવાની યોજના બનાવી. ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવેલા સંપત ચૌધરીને વેપારીએ એક લાખ રૂપિયા આપતાં મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી-શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને રોકડ રકમ સ્વીકારી રહ્યો છે.
જાંચમાં ખુલ્યું છે કે શ્રવણ જોષીએ એકસાથે આશરે 10 દુકાનદારો પાસેથી ખંડણી વસૂલવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. એક દુકાનદાર પાસેથી દર મહિને 25,000 રૂપિયાનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો. આમ 10 દુકાનો માટે કુલ સાડા ત્રણ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. વેપારીઓને ડરાવવા માટે શ્રવણ જોષી ‘આપ’નો ખેસ પહેરી દુકાને જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપતો અને સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી વેપારીઓની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતો હતો. ત્યારબાદ ‘સેટલમેન્ટ’ માટે પોતાના સાગરીત સંપત ચૌધરીનો સંપર્ક કરવા કહેતો હતો.
પૈસા લેતા વીડિયોની સાથે એક અન્ય વીડિયોમાં સંપત ચૌધરીએ ખુલ્લેઆમ કબૂલાત કરી છે કે—“હું શ્રવણ જોષીના કહેવા પર અનાજની દુકાનો પર જતો હતો. અમે 25-25 હજારના હપ્તા બાંધ્યા હતા. અત્યાર સુધીમાં દોઢ લાખ રૂપિયા લીધા છે. આમાં મારો કોઈ ભાગ નથી, બધા જ પૈસા શ્રવણભાઈના છે.” આ કબૂલાતથી શ્રવણ જોષીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
પોલીસ મુજબ, આરોપીઓ ખંડણી વસૂલવા માટે સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા. આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું કે, અનાજ દુકાનદાર એસોસિએશનના સભ્યો ફરિયાદ લઈને આવ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. 10 દુકાનો દીઠ સાડા ત્રણ લાખની માંગ સામે પહેલા એક લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને તે સમયે લેવાયેલો વીડિયો પણ સામે આવ્યો છે.
હાલ આ મામલે શ્રવણ જોષી અને સંપત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય પીડિત વેપારીઓ સામે આવવાની શક્યતા વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે