પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી; ભ્રમ તોડવો જરૂરી છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- વધુમાં વધુ ખેડૂતો આ પવિત્ર મિશનમાં જોડાય તેવા પ્રયાસો કરીએ: કૃષિ મંત્રી જીતુ વાઘાણી - રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ ગાંધીનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભ
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી; ભ્રમ તોડવો જરૂરી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી; ભ્રમ તોડવો જરૂરી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


- વધુમાં વધુ ખેડૂતો આ પવિત્ર મિશનમાં જોડાય તેવા પ્રયાસો કરીએ: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

- રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ

ગાંધીનગર, 30 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, લોકોમાં આજે પણ એવી માનસિકતા વ્યાપક છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન ઘટશે અને દેશની ખાદ્ય સુરક્ષા સામે સંકટ ઊભું થશે. પરંતુ આ માન્યતા ભ્રામક છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી; ભ્રમ તોડવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક (ઓર્ગેનિક) ખેતી એક નથી, બંને વચ્ચે જમીન-આકાશ જેટલો તફાવત છે.

રાજ્યપાલએ સમજાવ્યું કે, જૈવિક ખેતીમાં ખર્ચ અને મહેનત વધુ કરવી પડે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં નહિવત ખર્ચે સ્વસ્થ ઉત્પાદન મળે છે. જૈવિક ખેતીમાં પ્રારંભના બે-ત્રણ વર્ષોમાં ઉત્પાદન ઓછું મળે છે, જેના કારણે કેટલાક લોકો પ્રાકૃતિક ખેતીને પણ એ જ માપદંડથી માપી રહ્યા છે. પરંતુ, હવે આ શંકા દૂર થશે.

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ દાંતિવાડા, જુનાગઢ, આણંદ અને નવસારીએ ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી, ત્રણેય મોડેલ પર તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ત્રણ વર્ષના ગહન સંશોધન બાદ ચારેય યુનિવર્સિટીઓએ સ્પષ્ટ રીતે નિષ્કર્ષ આપ્યો છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી.

રાજ્યપાલએ અધિકારીઓને ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સરકારની યોજનાઓનો યોગ્ય અમલ કરવા જણાવ્યું હતું.

રાજ્યપાલએ તેમના ગ્રામ્ય પ્રવાસના અનુભવો જણાવતાં કહ્યું કે, તેઓ પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે જાતે તાલુકા સ્તરે જઈને ખેડૂતો વચ્ચે રહે છે, ગુજરાતના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા તૈયાર છે.

આ ઉપરાંત રાજ્યપાલએ જણાવ્યું કે, કાર્બન ક્રેડિટ પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી આવકનો માર્ગ બની શકે છે. ઘણી સંસ્થાઓ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા બદલ ખેડૂતોને પ્રોત્સાહન આપે છે, જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક સહારો બની શકે છે.

પ્રાકૃતિક કૃષિના આધારસ્તંભ સમાન દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા અને તેમની નસલમાં સુધારો કરવા માટે રાજ્યપાલએ સૂચનો આપ્યા હતા. તેમણે રાજ્યભરમાં સેક્સડ સોર્ટડ સિમેન સરળતાથી મળી રહે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચવ્યું હતું.

આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. આગામી વર્ષમાં વધુ 2 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે દિશામાં આયોજનબદ્ધ કાર્ય કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે કૃષિ વિભાગ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, સહાયકારી યોજનાઓ, તાલીમ, સંશોધન અને શિક્ષણ અંગે થતી કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ નીતિન સંગવાન, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande