

ગાંધીનગર,30 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગર થી મુંબઈ સુધી ભારતની અદ્યતન ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા રેલમાર્ગે પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલએ ભારતીય રેલ્વે દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ, સમયપાલન, સ્વચ્છતા અને મુસાફરોને મળતી આરામદાયક સેવાઓનો અનુભવ કર્યો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસ ‘નવા ભારત’ની પ્રગતિ, આત્મનિર્ભરતા અને તકનિકી ક્ષમતાનું જીવંત પ્રતીક છે. દેશના નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ ટ્રેન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલ્વેમાં થયેલા વ્યાપક સુધારા અને આધુનિકીકરણના પ્રયાસો દેશની પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી રહ્યા છે અને રેલ્વેને વિકાસના મહત્વપૂર્ણ સાધન તરીકે સ્થાપિત કરી રહ્યા છે.
ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલ લોકભવનથી ગાંધીનગર રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનમાં રાજ્યપાલએ પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં કૂતુહલ સર્જાયુ હતું. રાજ્યપાલએ વિનમ્ર ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યુ હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ