
વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) ગત 26 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ગટરના ખુલ્લા ઢાંકણને કારણે સર્જાયેલી જીવલેણ દુર્ઘટનામાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે ગુનાહિત મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.
એસીપી કટારિયાએ જણાવ્યું હતું કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણને કારણે સર્જાયેલી જીવલેણ દુર્ઘટના અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 26 ડિસેમ્બરના રોજ ફરિયાદી માધવીબા વિપુલસિંહ ઝાલા અને તેમનો પરિવાર દરબાર ચોકડી પાસે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ચાઈનીઝ લારી પર જમવા ગયા હતા. આ દરમિયાન વિપુલસિંહ ઝાલા ગાડી પાર્ક કરવા ગયા હતા, પરંતુ લાંબો સમય વીતવા છતાં તેઓ પરત ન આવતા પરિવારે શોધખોળ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કમ્પાઉન્ડમાં ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે વિપુલસિંહ તેમાં પડી ગયા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ગંભીર બેદરકારી મામલે માંજલપુર પોલીસે 'ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે.
તેઓએ ઉમેર્યું હતું કે, એજન્સી દ્વારા ગટરનું ઢાંકણ ખુલ્લું રાખવા છતાં ત્યાં કોઈ બેરીકેટીંગ કે સાવચેતીના બોર્ડ ન મારીને ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ