

રાજપીપલા,30 ડિસેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લામાં “Reducing Multidimensional Poverty in Narmada” કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં પ્રભારી સચિવની આવનારી સમીક્ષા મુલાકાતને ધ્યાને લઈ સર્વેક્ષણ કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે. એસ્પિરેશનલ બ્લોક તરીકે જાહેર કરાયેલા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા તેમને સોંપાયેલા ગામોમાં સ્થળ પર જઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્વેક્ષણનો રિપોર્ટ ગુગલ ફોર્મ મારફતે ભરી ફોટોગ્રાફ સાથે અપલોડ કરવામાં આવી રહ્યો છે.
આ સર્વેક્ષણ દરમિયાન આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, પશુ દવાખાનું, દૂધ મંડળી સહિતની સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. સાથે જ પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા 15 ઘરનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગામની તમામ ફળિયાઓ આવરી લેવાય તે માટે દરેક ફળિયામાંથી ઓછામાં ઓછું એક ઘર સમાવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ સમગ્ર સર્વેક્ષણ કામગીરી 29 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ કરવાની હતી. આ અન્વયે એસ્પિરેશનલ બ્લોક તરીકે જાહેર થયેલા નાંદોદ તાલુકાના નવાપરા (નિકોલી) ગામમાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્થળ પર જઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તેવીજ રીતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિઓર અને ગામકૂવા ગામે તથા તિલકવાડા મામલતદાર અને તેમની ટીમ દ્વારા સુંદરપુરા ગામમાં સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ