
- ડાક ટિકિટો સંદેશાવ્યવહાર સાથે- સાથે રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપે છે – મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર
- કચ્છના ‘જળ યોધ્ધા’ દામજીભાઈ એન્કરવાલાના યોગદાનને ડાક ટિકિટ દ્વારા દેશ-વિદેશમાં મળશે ઓળખ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી.સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય સ્ટેમ્પ) જારી કરી.
આ અવસરે નિદેશક ડાક સેવા સુરેખ રેઘુનાથેન, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામાનિયા, ટ્રસ્ટી સંજય ડી. શાહ અને અતુલ ડી. શાહ, કચ્છમિત્રના સંપાદક દીપક માંકડ તેમજ કચ્છમિત્રના જનરલ મેનેજર મુકેશ ધોળકિયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી.
આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી.સાવલેશ્વરકરે જણાવ્યું કે ડાક ટિકિટો દેશની સંસ્કૃતિ, ઇતિહાસ, વિજ્ઞાન અને સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે, સંદેશાવ્યવહાર તેમજ રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપે છે. દામજીભાઈ એન્કરવાલાનું જીવન કચ્છ અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત હતું અને તેમની જેમ યુવાનોને પણ માતૃભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠા અને જવાબદારી હંમેશા યાદ રાખવી જોઈએ.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, દામજીભાઈ એન્કરવાલાએ કચ્છના જળ વ્યવસ્થાપનમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. એક ઉદ્યોગપતિ હોવા સાથે- સાથે તેઓ પ્રખ્યાત સામાજિક કાર્યકર પણ હતા. કચ્છના જળ યોધ્ધા તરીકે બહાર પાડવામાં આવેલ આ ડાક ટિકિટ દામજીભાઈના વ્યક્તિત્વ, સંઘર્ષ અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનને દેશ-વિદેશમાં આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે. યાદવે જણાવ્યું કે ડાક ટિકિટ વાસ્તવમાં એક નાનકડો રાજદૂત છે, જે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે અને તેમને પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને વારસાની ઓળખ કરાવે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આ વાર્તા સાથે આજની યુવા પેઢીને જોડવાની જરૂર છે.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલ ડી. શાહે આ સ્ટેમ્પ માટે ઇન્ડિયા પોસ્ટનો આભાર માન્યો અને તેમના પિતા દામજીભાઈ લાલજીભાઈ શાહ – એન્કરવાલા (1937–2023)ના જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે કચ્છમાં જન્મેલા દામજીભાઈનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલી રહેલી પાણીની સમસ્યાએ તેમને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણની દિશામાં પ્રેરિત કર્યા. કચ્છમાં વ્યાપક જળ સંકટને તેમણે પોતાની વ્યક્તિગત જવાબદારી માની અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નો કર્યા. તેમના અવિરત પ્રયાસો અને દુરદર્શિતાના પરિણામે દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડી શકાયું. આ ઐતિહાસિક પહેલથી કચ્છના લાખો લોકોના જીવનમાં કાયમી પરિવર્તન આવ્યું અને પ્રદેશના વિકાસને નવી દિશા મળી.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામાનિયાએ જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાનું જીવન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. ટ્રસ્ટી સંજય ડી. શાહ, કચ્છમિત્રના સંપાદક દીપક માંકડ તથા કચ્છમિત્રના જનરલ મેનેજર મુકેશ ધોળકિયાએ પણ દામજીભાઈ એન્કરવાલાના વ્યક્તિત્વ અને કાર્યના વિવિધ પાસાઓનો પરિચય કરાવ્યો.
આ અવસરે સિનિયર પોસ્ટમાસ્ટર, અમદાવાદ જીપીઓ અલ્પેશ આર. શાહ, સહાયક નિદેશક એન. એન. રાવલ, કિંજલ શાહ, મિરલ ખમાર, સહાયક અધિક્ષક વિજયાલક્ષ્મી, જલદીપ ગોહેલ, ધવલ બાવીસી, બિરંગ શાહ, ભાવિન પ્રજાપતિ, રમેશ જી પટેલ, દિક્ષિત રામી, ધારા કાપડિયા સહિત અનેક લોકોહાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન સહાયક અધિક્ષક હાર્દિક ગઢવીએ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ