
પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)પાટણ લેઉવા પાટીદાર કેળવણી પ્રગતિ મંડળ દ્વારા 4 જાન્યુઆરી, 2026 (રવિવાર)ના રોજ પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ અને સન્માનિત કરવામાં આવશે.
મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સન્માન સમારોહ યોજાશે. સાથે સાથે સમાજમાં દીકરીઓના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે ‘બેટી બચાવો, બેટી વધાવો’ અભિયાન હેઠળ દીકરીઓને વધાવવામાં આવશે.
આ સમારોહના પ્રમુખ તરીકે રમેશભાઈ ભગવાનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે, જેઓ વર્ષ 2025ના ઈનામ વિતરણ અને ‘બેટી બચાવો-બેટી વધાવો’ કાર્યક્રમના સંયુક્ત દાતા છે. મુખ્ય મહેમાન તરીકે દલસીબેન ભગવાનભાઈ પટેલ હાજરી આપશે, જ્યારે અતિથિ વિશેષ તરીકે ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. પ્રિયાંશી ડી. પટેલ માર્ગદર્શન આપશે.
અન્ય આમંત્રિત મહેમાનોમાં વર્ષ 2026ના ‘બેટી બચાવો-બેટી વધાવો’ કાર્યક્રમના દાતા શશીબેન જયંતીલાલ પટેલ તેમજ વર્ષ 2025-26ના ઈનામ વિતરણના દાતા રણછોડભાઈ પૂંજાભાઈ પટેલ અને કાન્તીભાઈ વિરચંદભાઈ પટેલનો સમાવેશ થાય છે. સમગ્ર આયોજન પ્રમુખ શૈલેષકુમાર સી. પટેલ, મંત્રી મહેન્દ્રભાઈ એચ. પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જ્ઞાતિજનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ